ગાંધીનગરથી શિરડી જતાં યાત્રિકોને અકસ્માત:મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર લક્ઝરી બસ ખાડીના પુલ પર લટકી, સદનસીબે મોટી જાનહાની ટળી
હાલ પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દેવ દર્શન કરવા જતાં હોય છે. ત્યારે ગાંધીનગરથી શિરડી યાત્રામાં નીકળેલા યાત્રાળુઓની બસનો અકસ્માત સર્જાયો હતો. મહુલા તાલુકાના વલવાડા નજીક બસ ધડાકાભેર નવા બની રહેલા પૂલ સાથે અથડાઈ હતી. બાદમાં પૂલ નીચે બસ લટકવા લાગી હતી. જેથી બે મહિલાઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સુરત જિલ્લાના મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરીને અકસ્માત નડ્યો હતો. મહુવા તાલુકાના વલવાડા ઝાડી વિસ્તારમા ઘોડસ્થળ પૂલ પાસે બસના ચલાકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસના ચાલકે ગોળાઈમાં બસ વાળવાની જગ્યાએ સીધી જવા દીધી હોય તેમ બસ પૂલ નીચે લટકવા લાગી હતી. બાદમાં બસમાં સવારને બહાર કઢાયા હતાં.
ગાંધીનગરથી નાસિક-શિરડી યાત્રા પર ભાવિકો નીકળ્યા મુસાફરો હતાં. લક્ઝરી બસમા 26 મુસાફરો હતા. તમામ મુસાફરો મહેસાણાના રહેવાસી છે. ત્રણ દિવસની યાત્રા પર તમામ નીકળ્યા હતા. જેમાંથી બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સમગ્ર અકસ્માતની મહુવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.