દ્વારકામાં આજે અધિક માસની જન્માષ્ટમી ઉજવાશે, આ સમયે કાન્હાના ખુલ્લા પડદે સ્નાનવાળા દર્શન થશે
અધિક મહિનો હોઈ દ્વારકામાં ખાસ ઉજવણી થઈ રહી છે. અધિક માસનો પ્રારંભ 18 જુલાઈ, 2023, મંગળવાર એટલે કે આજથી થશે. જે 16 ઓગષ્ટ, 2023 બુધવારના રોજ સમાપ્ત થશે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરે અધિક માસ નિમિત્તે વિશેષ આયોજન કરાયું છે. દ્વારકા – યાત્રાધામ દ્વારકા ના જગત મંદિરે પુરુષોત્તમ માસ (અધિકમાસ) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે અધિકમાસ છે જેના કારણે બે શ્રાવણ મહિના છે. દ્વારકાના જગત મંદિરમાં અધિક માસ નિમિત્તે રામ નવમી, દેવ દિવાળી અને જન્માષ્ટમી જેવા પર્વની વિશેષ ઉજવણી કરાશે. કાળિયા ઠાકોરના જન્મોત્સવ જન્માષ્ટમીની બે મહિનામાં બે વાર ઉજવણી કરાશે. આજે અધિકમાસની જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી વહેલી સવારથી જ શરૂ કરાઈ છે.
યાત્રાધામ દ્વારકામાં પવિત્ર પરસોત્તમ માસને લઈ બે જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી રહી છે. યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે આજે ભગવાન શ્રીદ્વારકાધીશનો જન્માષ્ટમી મહોત્સવ શરૂ કરાયો છે. અધિક માસની જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશના 8 થી 8:30 વાગ્યા સુધી ખુલ્લા પડદે સ્નાન દર્શન થશે. તેમજ જન્માષ્ટમીને લઈને મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામા આવ્યો છે.
બપોરે 1 થી 5 વાગ્યા સુધી જગત મંદિર બંધ રહેશે. તો સાંજે 5 થી ૯ નો નિત્યક્રમ મુજબ રહેશે. 9 થી 12 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. રાત્રે 12 વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે આરતી દર્શન સાથે 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
આ વિશે દ્વારકાધીશ મંદિર દ્વારા જણાવાયું કે, આગામી અધિક શ્રાવણ માસ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં ઉજવવામાં આવનાર ઉત્સવોની યાદી તેમજ તે દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેથી મંદિરના ભક્તોએ દર્શનના સમયની નોંધ લેવી.
ઉલ્લેખનિય છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી 15 દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણના વદ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. પણ, અધિક માસની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં તેની ગણના એક જ પ્રમાણે થાય છે. જે અંતર્ગત ત્યાં શ્રાવણ માસની મધ્યમાં અધિક માસ રહેશે. ત્યારબાદ શ્રાવણના બાકીના 15 દિવસ ઉજવાશે. જ્યારે ગુજરાતમાં 17 ઓગષ્ટના રોજથી નિજ શ્રાવણ માસનો પ્રારંભ થશે.