અમદાવાદના શહીદ જવાન મહિપાલસિંહ વાળાના ઘરે લક્ષ્મીજી પધાર્યા, દીકરીનું શું નામ રખાયું?
અમદાવાદઃ ઓગસ્ટની શરુઆતમાં અમદાવાદના 27 વર્ષના સેના જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા જવાનના પત્ની પ્રેગનેન્ટ હતા અને તેમણે 11મી ઓગસ્ટની સાંજે બાળકીને જન્મ આપ્યો છે. પત્નીના સીમંત પ્રસંગમાં મહિપાલસિંહ ઘરે આવ્યા હતા અને તે પછી તેઓ બાળકનો જન્મ થાય તેના અઠવાડિયા પહેલા શહીદ થયા હતા. શહીદ જવાન મહિપાલસિંહની દીકરીનું નામ વિરલબા પાડવામાં આવ્યું છે.
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. તેઓ પરિવાર સાથે અમદાવાદમાં રહેતા હતા અને બાળપણથી જ તેમને સેનામાં જોડાવાનો રસ હતો. તેમના પરિવારના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિપાલસિંહે ધોરણ-12 પાસ કર્યું તે પછી તેમણે સેનામાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા અને તેઓ તેમાં સફળ થયા હતા.
શહીદ મહિપાલસિંહની દીકરીનો 11 ઓગસ્ટની સાંજે જન્મ થયો હતો. મહિપાલસિંહનો જન્મદિવસ 15મી ઓગસ્ટના દિવસે આવે છે અને જેના કારણે બાળપણથી જ તેમને દેશની રક્ષા માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. પરંતુ તેઓ પોતાનો જન્મદિવસ આવે કે પોતાના બાળકનું મોઢું જુએ તે પહેલા જ શહીદ થઈ ગયા હતા.
શહીદ મહિપાલસિંહના પરિવારના સભ્ય અજીતસિંહ વાળાએ ઘટના બની તે દિવસે વાત કરતા જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો તે દિવસે મહિપાલસિંહનો જન્મ થયો હતો અને જ્યારે તેમનો જન્મદિવસ આ દિવસ ઉજવાતો ત્યારે નાનપણથી જ તેમને દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હતી. આ ભાવનાઓને ધ્યાનમાં રાખીને ધોરણ-12 પાસ કર્યા બાદ તેઓ સેનામાં જોડાયા હતા. આ પછી તેમનું સૌથી પહેલું પોસ્ટિંગ જબલપુરમાં થયું હતું. જે બાદ ચંદીગઢ અને પાછલા 6-8 મહિનાથી તેઓનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં હતું.
પરિવારના સભ્ય અજીતસિંહે જણાવ્યું હતું કે, અંતિમ વખત મહિપાલસિંહ તેમના પત્નીના સીમંત પ્રસંગે ઘરે આવ્યા હતા, આ પ્રસંગ પૂર્ણ કર્યા બાદ તેઓ હસતા મોઢે શ્રીનગર જવા માટે રવાના થયા હતા. મહિપાલસિંહે છેલ્લે 4 તારીખે તેમના પત્ની સાથે વાત કરી હતી અને પત્નીની તબિયત અને પરિવાર વિશે ખબરઅંતર પૂછ્યા હતા. આ પછી તેઓ ફરી જમ્મુ-કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા હતા.