અમદાવાદનું હરતું ફરતું ‘મંજુબાનું રસોડું’ : આ મહિલા રોજ ઝૂંપડપટ્ટીમાં 700 ગરીબોને બોલાવી જમાડે છે, ફૂડ ટ્રક દ્વારા 6 મહિનામાં 1.25 લાખને જમાડી પુણ્યનું કામ કરે છે
જીવન અંજલિ થાજો! મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! કરસનદાસ માણેકની આ કવિતાને અમદાવાદનું કામદાર દંપતી સાર્થક કરી રહ્યું છે.
અમદાવાદમાં શહેરમાં સૌકોઈએ પોશ વિસ્તારમાં આવેલી ખાણી-પીણી બજારમાં જ ફૂડ ટ્રક જોઈ હશે, જ્યાં લોકો પૈસા ચૂકવીને જમે છે, જ્યારે કામદાર દંપતી દ્વારા ચલાવવામાં આવતું ‘મંજુબાનું રસોડું’ નામની ફૂડ ટ્રક ગરીબ તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓની જઠરાગ્નિ ઠારે છે. શહેરના બિઝનેસમેન મયૂર કામદાર અને તેમનાં પત્ની પ્રણાલી કામદારે માતાના જીવન તથા માતાએ આપેલા સૂત્ર પરથી પ્રેરણા મેળવીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબો માટે ફૂડ ટ્રક શરૂ કરી છે, જેમાં રોજ સવાર-સાંજ 700 લોકોને વિનામૂલ્યે જમાડવામાં આવે છે. આ ફૂડ ટ્રક દ્વારા છેલ્લા 6 મહિનામાં 1.25 લાખ લોકોની આંતરડી ઠારવામાં આવી છે.
બિઝનેસમેનનાં માતા રોજ ગાડીમાં નીકળી ભૂખ્યાને ભોજન આપતાં, એન્જિનિયરિંગ કંપની ચલાવતા મયૂર કામદારનાં માતાનું વર્ષ 2008માં અવસાન થઈ ગયું, પરંતુ માતા મંજુબા જીવ્યાં ત્યાં સુધી પોતે સુખી સંપન્ન પરિવારના હોવાથી રોજ ગાડીમાં જઈને રસ્તામાં દેખાતા ગરીબ અને જરૂરિયાતમંદોને જમવાનું આપતાં હતાં. મયૂર કામદારનાં માતા મંજુબા કહેતા કે કોઈ ભૂખ્યું ના સૂવે, આ સૂત્રને લઈને તેઓ રોજ અનેક લોકોને જમવાનું આપતાં હતાં. મંજુબાના અવસાન બાદ તેમનાં દીકરા તથા પુત્રવધૂને માતાએ આપેલી પ્રેરણા પરથી માતા જે કામ કરતા કરતા હતા એ ચાલુ કરવાનો વિચાર આવ્યો.
લોકોએ ફૂડ પેકેટ લેવા પડાપડી કરતાં નવી રીતે અજમાવી, મયૂર કામદાર અને તેમનાં પત્ની પ્રણાલી કામદારની કંપનીમાં 200 કર્મચારી છે. આ દંપતી ખૂબ જ સારી રીતે તેમનો બિઝનેસ સંભાળી રહ્યાં છે. લોકડાઉનનાં 2 વર્ષ પહેલાંથી પ્રણાલી કામદાર રોજ તૈયાર ફૂડ પેકેટ લઈને ગાડીમાં નીકળતાં હતાં અને રસ્તામાં આવતા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ આપતાં હતાં.ત્યાર બાદ લોકડાઉન આવતાં આ સેવા બંધ કરવી પડી. દોઢ વર્ષે ફરીથી લોકોને જમવાનાં પેકેટ આપવાનું શરુ કર્યું હતું, ત્યારે એવું થતું કે અગાઉથી નક્કી ના હોય એટલે જે જગ્યાએ ફૂડ પેકેટ આપવા જતા ત્યાં લોકો લેવા માટે પડાપડી કરતા હતા. ત્યાર બાદ દંપતીએ નવા કોન્સેપ્ટ પ્રમાણે કાયમી લોકોને જમાડી શકાય એ માટેનું પ્લાનિંગ કર્યું. એમાં તેમને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને શોધીને લાઉડસ્પીકર પર જાહેરાત કરીને આમંત્રણપત્રિકા આપવાનું શરૂ કર્યું, સાથે સાથે લોકોને કહેવામાં આવતું કે કાલે તમે પરિવાર સાથે જમવા આવજો અને તમારા ઘરે જમવાનું ના બનાવતા.
બીજા દિવસે ફૂડ ટ્રક ત્યાં પહોંચી જાય છે, જેમાં પ્રણાલી કામદાર હંમેશાં સાથે રહે છે અને સ્વમાન જળવાય રહે એ રીતે જમવાનું પીરસે છે. કોઈ વ્યક્તિ બીજી વખત આવે તોપણ તેને જમાડવામાં આવે છે. આ આખા પ્રોજેક્ટનું નામ મયૂર કામદારનાં માતાના નામ પરથી મંજુબાનું રસોડું નામ રાખવામાં આવ્યું છે.
કંપનીના કર્મચારીઓ સહિત રોજ બને છે 900 લોકો માટે ભોજન, મયૂર કામદારની કંપનીમાં 200 લોકોનું જમવાનું બનાવવામાં આવે છે, એટલે રોજ એકસાથે 900 લોકોનું જમવાનું બનાવવામાં આવે છે. શહેરના વાડજ ખાતે આવેલા એક બંગલોમાં કેટરિંગની ટીમ છે. આ ટીમ રોજ જમવાનું બનાવે છે. જમવાનું બન્યા બાદ એની ગુણવત્તા અને સ્વાદની ચકાસણી કરવા 3 વ્યક્તિની ટીમ પણ રાખવામાં આવી છે, આ ટીમ ચકાસીને ફૂડ ટ્રક લોડ કરાવે છે. ફૂડ ટ્રક જે વિસ્તારમાં લઇ જવામાં આવે ત્યાં લોકો શિસ્તબદ્ધ લાઈનમાં રહીને જમવાનું મેળવે છે અને ઘરે જઈને જમે છે.
જાતે ખરીદીને જમી ન શકે એવી જ વાનગી પીરસે છે, આ રસોડામાં મોટા ભાગે તેવી જ વાનગીઓ પીરસવામાં આવે છે કે જે ગરીબ વ્યક્તિઓ જાતે ખરીદીને ના જમી શકતા હોય. જમવાનો બગાડ ના થાય એ માટે લિમિટેડ વાનગી અને અનલિમિટેડ જમવાનું પીરસવામાં આવે છે. જ્યારે લોકોની સંખ્યા વધુ હોય અને જમવાનું પૂરું થાય ત્યારે ત્યાં જ તાત્કાલિક સામગ્રી લઈને બનાવવામાં આવે છે.
5 યુવક સ્વેચ્છાએ રસોડામાં સેવા આપે છે, મંજુબાના રસોડામાં દંપતી સહિત કેટરિંગની ટીમ તો છે જ, સાથે તેમને કોર્પોરેટ કંપનીમાં કામ કરતા 5 યુવક સ્વેચ્છાએ આ રસોડામાં સેવા આપવા તૈયાર થયા છે. જેઓ ગાડીમાં જઈને આગલા દિવસે આમંત્રણ આપે છે તથા જમવાનું ચાલુ હોય ત્યાં વ્યવસ્થામાં ઊભા રહે છે. જ્યારે આ દંપતી કોઈ કારણસર હાજર ના રહી શકે ત્યારે આ 5 યુવકની ટીમ રસોડાની પૂરી જવાબદારી સાંભળી લે છે.
બહાર હોવ ત્યારે વિચારું કે ક્યારે 10:30 વાગે ને હું જમવાનું પીરસું: પ્રણાલીબેન
પ્રણાલી કામદારે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં મારી સાસુનો વારસો જાળવી રાખ્યો છે. ક્યારેક હું બહાર હોવ ત્યારે ઘડિયાળ સામે જોઇને વિચારું કે ક્યારે 10:30 વાગે અને હું રસોડે જઈને જમવાનું પીરસું. હું મારા બિઝનેસમાંથી રોજ સવારે અને સાંજે 2-2 કલાક આ રસોડામાં ફાળવું છું.
અશક્ત લોકો એપ પર રજિસ્ટ્રેશન કરી ભોજન મગાવી શકે છે. મયૂર કામદારે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કામ કરીને અમને ખૂબ આનંદ મળે છે. અનેક ટ્રસ્ટ કે મંદિર તરફથી જરૂરિયાતમંદોને જમાડવામાં આવે છે, જેમાં લોકોએ સ્થળ પર જવું પડે છે, ક્યારેક કોઈ પીરસનાર ઠપકો આપે છે ત્યારે જમવા જનારની લાગણી દુભાય છે અને માગીને જમવું પડે છે. જેથી આ સ્થિતિનો સામનો ના કરવો પડે એ માટે અમે અલગ આયોજન કર્યું છે.
અહીં દરેક વ્યક્તિને આમંત્રણ આપીને સ્વમાનભેર જમાડવામાં આવે છે. એક એપ્લિકેશન પણ બનાવી છે જેમાં કેટલાક નક્કી કરેલા વિસ્તારમાં રહેતા વૃદ્ધ તથા બહાર ના નીકળી શકતા લોકો રજિસ્ટ્રેશન કરાવે તો તેમને રોજ ઘરે જઈને જમવાનું આપી શકીએ. મારાં માતાના કોન્સેપ્ટ કોઈ ભૂખ્યું ના સૂવે એ મુજબ અનેક લોકોને જમાડવા છે.