2 ‘મુન્નાભાઈ એમબીબીએસ’ની છાપ ધરાવતા બોગસ ડોકટરો ઝડપાયા
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં બે પરપ્રાંતિયો શખ્સો પાસે મેડીકલને લગતી ડીગ્રી ન હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એસઓજીએ ઝડપી લીધા છે. દવાઓ, ઈન્જેક્શનો કબ્જે કર્યા છે.
કાનાલુસગામમાં ભાડાનું મકાન રાખીને રહેતા અને તેમા જ ખાનગી ક્લીનીક ચલાવતા પશ્ચિમ બંગાળના તુષારકાંતિ ગોપાલચંદ્ર અધિકારી તબીબી પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે આરોગ્ય અધિકારીને સાથે રાખીને દરોડો પાડયો હતો અને તુષારકાંતિને ઝડપી લઈને દવાઓ, ઈન્જેક્શનો, સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન સહિતની મેડીકલને લગતી ડીગ્રી કબ્જે કરી હતી.
જયારે આ ક્લીનીકની નજીક જ પશ્ચિમ બંગાળનો ક્રિષ્ના સીરીશ દેવરી પણ તબીબી ડીગ્રી ન હોવા છતાં ખાનગી ક્લીનીક ચલાવી લોકોને ચેકઅપ કરીને દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.
એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ આર. વી. વીંછીએ સ્ટાફના હિતેશ ચાવડા, રવિભાઈ બુજડ સહિતે કામગીરી કરી હતી અને બન્ને સામે જુદી જુદી મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ મુજબ લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને બન્નેને સોંપી દીધા છે.