અયોધ્યામાં ગર્ભગૃહનું નિર્માણ શરૂ, CM યોગીએ કહ્યું- રામ જન્મભૂમિ મંદિર રાષ્ટ્ર મંદિર બનશે
આજથી શ્રી રામજન્મભૂમિ ખાતે ભગવાન રામલલાના ભવ્ય મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રાર્થના કર્યા બાદ ગર્ભગૃહના નિર્માણ માટે પહેલું શિલાન્યાસ કર્યું હતું. આ પહેલા યોગી હનુમાનગઢી પહોંચ્યા અને બજરંગબલીના આશીર્વાદ લીધા. રામ મંદિરનો ગર્ભગૃહ અને પહેલો માળ આવતા વર્ષે ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. આ પછી, 14 જાન્યુઆરી, 2024 ના રોજ મકર સંક્રાંતિના અવસરે, ભગવાન રામલલા અને તેમના ત્રણ દેવતાઓની ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવશે.
ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂકી દેવામાં આવ્યો છે, ગોરક્ષનાથ પીઠની ત્રણ પેઢી આ આંદોલન સાથે જોડાયેલી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે છેલ્લાં 500 વર્ષથી દેશના સાધુ-સંત રામ મંદિર આંદોલન ચલાવતા હતા. આજે તે દરેક લોકોને આત્માને શાંતિ મળી હશે. ગર્ભગૃહનો પહેલા પથ્થર મૂક્યા પછી મીડિયા સાથે વાત કરતાં મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું કે આજથી શિલાઓ મૂકવાનું કામ હવે ઝડપથી શરૂ થશે. યોગીએ કહ્યું હતું કે હવે એ દિવસો દૂર નથી, જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યા ધામમાં તૈયાર થઈ જશે.
આ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર બનશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂકી દીધો છે. એ સાથે જ તેમણે મંદિરના આર્કિટેક્ટ સિવાયના કારીગરોને પણ સન્માનિત કર્યા છે. કમળની આકૃતિના આઠ ખૂણાવાળું હશે રામ મંદિરનું ગર્ભગૃહ. 6 ફૂટ જાડી દીવાલ હશે, જેનો બહારનો ભાગ પિંક સ્ટોનનો હશે. એનો કળશ 161 ફૂટની ઊંચાઈએ રહેશે.
રામ મંદિરના નિર્માણનું સાક્ષી બનવું સૌભાગ્યની વાત: ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય
ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દેશની સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રામ જન્મભૂમિનું નિર્માણ શરૂ થયું છે. રામ જન્મભૂમિ પરિસરમાં પહેલા તબક્કાનું કામ પૂરું થયું છે. આજે બીજા તબક્કાનું કામ શરૂ થયું છે. આજનો દિવસ રામભક્તો માટે ખુશીનો દિવસ છે. રામભક્તોને શુભેચ્છાઓ. હનુમાનજીની કૃપાથી બધું કામ થઈ રહ્યું છે. હું સૌભાગ્યશાળી છું કે મંદિરના નિર્માણનો સાક્ષી બની રહ્યો છું. રામ મંદિર આંદોલનના સૈનિક તરીકે મને આ મોકો મળ્યો છે.
અધિકારીઓએ સવારે જ બધી તૈયારીઓ ચેક કરી લીધી હતી. તૈયારીઓ માટે મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચ્યા હતા. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની ટીમે રામ જન્મભૂમિ પરિસરમાં દરેક તૈયારીઓ પૂરી કરી લીધી હતી. કમિશનર નવદીપ રિનવા, જિલ્લાઅધિકારી નીતીશ કુમાર અને આઈજી રેન્જ કેપી સિંહની સાથે એસએસપી અયોધ્યા શૈલેષ પાંડેએ રામ જન્મભૂમિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યક્રમ સ્થળ પર લગાવેલા ભવ્ય પંડાલ સહિત સમગ્ર પરિસરની તૈયારીઓ ચેક કરી લીધી હતી.
પરિસરમાં ભગવાન વાલ્મિકી, કેવટ, માતા શબરી, જટાયુનું મંદિર બનશે
એક હજાર વર્ષ કરતા વધુ સમયથી અસ્તીત્વ ધરાવતા રામ મંદિરના પ્રથમ તબક્કામાં એક તીર્થ સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આશે. તે અંદાજે 25 હજાર તીર્થ યાત્રીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે. તેને પૂર્વ દિશામાં મંદિર પહોંચવાના રસ્તા બાજુ બનાવવામાં આવશે. રામ મંદિર સિવાય પરિસરમાં ભગવાન વાલ્મિકી, કેવટ, માતા શબરી, જટાયુ, માતા સીતા, ગણેશ અને શેષાવતાર (લક્ષ્મણ)નું મંદિર પણ બનાવવામાં આવશે. કુલ 70 એકર વિસ્તારની અંદર અને મંદિરની બહારના આસપાસના વિસ્તારમાં નિર્માણ કાર્ય કરાશે.
એક સાથે ચાલી રહ્યા છે ઘણાં કામ હાલના સમયે શિલાન્યાસ કર્યા પછી પ્લિંથ સહિત દરેક નાના મોટા કામ એક સાથે ચાલી રહ્યા છે. ગર્ભગૃહોના ચારેય અને પ્લિંથ અને નક્શાદાર ગુલાબી સેન્ડસ્ટોનના બ્લોકની સ્થાપના, પિંડવાડામાં ગુલાબી સેન્ડસ્ટોનનું નકશીકામ, મકરાના માર્બલનું નક્શીકામ અને આરસીસી રિટેનિંગ વોલ નિર્માણ જેવા ઘણાં કામો ચાલી રહ્યા છે.
5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાને કહ્યું હતું ભૂમિ પૂજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યના મંદિરના ગર્ભગૃહ સ્થળ પર 5 ઓગસ્ટ 2020ના રોજ ભૂમિ પૂજા કરીને નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. એલએન્ડટીએ ભવિષ્યના મંદિરના પાયા માટે એક ડિઝાઈન પણ રજૂ કરી હતી. તે પ્રમાણે મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે.