અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ છતાં ગુજરાતનો આ યુવાન UPSC ક્લિયર કરી બન્યો કલેક્ટર, યુવાનની માર્કશીટ જોઈને આંચકો લાગશે
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાય વિદ્યાર્થીઓ સારા માર્કસ અને ટકા સાથે ઉર્તિણ થયા છે જયારે કેટલાકના માર્કસ ઓછા આવ્યાં છે તો કેટલાક નાપાસ થયા છે. ઓછા ટકા આવ્યાં હોય અને નાપાસ થયાં હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી. ભરૂચ કલેકટર ડૉ. તુષાર સુમેરાના પણ ધોરણ 10માં પાસિંગ માર્કસ જ આવ્યાં હતાં.
રાજકોટની ચૌધરી હાઇસ્કુલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ તુષાર સુમેરાની માર્કશીટ કઇ અલગ જ હતી. તેમણે અંગ્રેજીમાં 35 માર્કસ, ગણિતમાં 36 માર્કસ અને વિજ્ઞાનમાં 38 માર્કસ મેળવ્યાં હતાં. પરિણામથી હતાશ થવાના બદલે તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે આર્ટસનું શિક્ષણ પુર્ણ કરી બી.એડની ડીગ્રી પણ મેળવી હતી. કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ અંગ્રેજી વિષયમાં કાચા હતાં.
બી.એડ થયા બાદ તેમણે ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યારે તેમનો પગાર હતો મહિનાના 2,500 રૂપિયા નોકરી દરમિયાન જ તેમણે આઇએએસ અધિકારી બનવાનું નકકી કર્યું હતું. તેમણે પોતાના પરિવારમાં આ વાત કરતાં પરિવાર તરફથી પ્રોત્સાહન મળ્યું હતું. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયાં હતાં.
2012ના વર્ષમાં આ એમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયાં હતાં. અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેકટર તરીકે ડૉ. તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.
10માં ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વધપ્રધાને નોંધ લેવી પડે.તેમણે જણાવ્યું હતું કે, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.