ગુજરાતમાં પહેલીવાર શહેરી-વિસ્તારમાં બનશે સિક્સલેન રોડ, રંગીલા રાજકોટને મળશે 45 મી. પહોળા રસ્તાની ભેટ
રંગીલુ રાજકોટ ફરી એકવાર ચર્ચામાં છે. હકિકતમાં વાત એમ છે કે, રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સૌથી પહોળો સિક્સલેન રોડ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. ગૌરવપથ કાલાવડ રોડ પર રાજ્યનો સૌથી પહોળો રોડ બનાવવામાં આવશે. રાજકોટ કાલાવડ રોડ કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાઓ છે ત્યાં સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 કિલોમીટર લાંબાને 45 મીટર પહોળા રોડ બનાવવા માટે 120 જેટલી મિલ્કતો કપાતમાં જશે. કાલાવડ પર કેકેવી ચોકથી અવધ રોડ સુધી રોડ બનશે.
કાલાવડ રોડની ગૌરવપથ તરીકે ઓળખ, આ અંગે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના હાર્દસમા અને ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. આનાથી લોકોને અગવડ ન પડે એ માટે અહીં કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ 30 મીટર છે, જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે.
ડબલ ડેકર ઓવરબ્રિજનું કામ પુરજોશમાં ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે હાલ કેકેવી હોલ ખાતે બ્રિજ ઉપર બ્રિજની કામગીરી સમયસર પૂર્ણ કરવા કોન્ટ્રક્ટરને સૂચના અપાઈ છે. આ બ્રિજ બનવાથી પણ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. ડબલ ડેકર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ રાજકોટના કાલાવડ રોડને પહોળો કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે કપાત મિલકતધારકોને નોટિસ પણ આપવામાં આવી છે અને વાંધા અરજી માટે સમય પણ આપવામાં આવ્યો છે.
મિલકતધારકોને વળતરના ત્રણ વિકલ્પ આપ્યા. મેયરે વધુમાં જણાવ્યું હતું કે એક બેઠક કર્યા બાદ ફરી વખત વાંધા અરજી અને હિયરિંગ માટે આવનારા દિવસોમાં બેઠક કરવામાં આવશે. રોડની પહોળાઇ વધારવામાં લગભગ 120થી વધુ મિલકતો કપાતમાં થશે, જેને વૈકલ્પિક જગ્યા આપવી, વધારાની FSI આપવી અથવા રોકડ સહિત વળતરના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. મોટામવાથી અવધ રોડ સુધીનો રસ્તો હાલ 30 મીટરનો છે. સિક્સલેન બનાવવા માટે 45 મીટર પહોળો કરવામાં આવશે. એના માટે હયાત રોડની પહોળાઇ વધારીને વાઇડનિંગ અને મેટલિંગ કામ કરાયા બાદ ડામરથી મઢવામાં આવશે.
પાર્કિંગના દબાણ સામે કડક પગલાં લેવાશે? અગાઉ આ કામ રૂડા હસ્તક હતું, પરંતુ મોટામવાનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવતાં હવે આ સંપૂર્ણ કામ રાજકોટ મનપા દ્વારા કરવામાં આવશે. કેકેવી હોલ અને જડ્ડુસ હોટલ ચોક બ્રિજનું કામ પૂર્ણ થયે તરત રોડની પહોળાઇ વધારવાનું કામ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવડ રોડ પર સંખ્યાબંધ રેસ્ટોરન્ટ પણ છે અને પાર્ટી પ્લોટ પણ આવેલા છે, જેનું પાર્કિંગ પોતાની જગ્યામાં જ રાખવાનો નિયમ છે, પરંતુ તમામ પાર્ટી પ્લોટમાં યોજાતા પ્રસંગમાં વાહન પાર્કિંગ રોડ પર જ થાય છે.
કાલાવડ રોડ પર જાણીતી જગ્યા કપાતમાં જશે. કાર્યપાલક ઇજનેરની કચેરી, બ્રહ્મક્ષત્રિય વિદ્યાર્થી ભુવન અને આત્મીય કોલેજની મળી કુલ 1438 ચો.મી. જગ્યા, કોર્પોરેશનના પાણીના ટાંકાની 142 ચો.મી. જગ્યા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની 532 ચો.મી. ખુલ્લી જગ્યા, નીલ દા ઢાબા રેસ્ટોરન્ટની 266 ચો.મી. ખુલ્લી જગ્યા, M.G. હોસ્ટેલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીની મળી 183 ચો.મી. જગ્યા, કેન્દ્રીય વિદ્યાલયની કુલ 707 ચો.મી. જગ્યા, મ્યુનિ. સંચાલિત સ્વિમિંગપુલની 261 ચો.મી. જગ્યા, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પની 114 ચો.મી. જગ્યા.