કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પ્રથમ વખત થોરાસિક એન્ડો વાસ્ક્યુલર એઓર્ટીકથી હૃદયની મુખ્ય ધમનીનું ઓપરેશન કરાયું, 69 વર્ષીય વૃદ્ધાને નવજીવન આપ્યું
કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરની ટીમ દ્વારા 69 વર્ષની વૃદ્ધાની હૃદયની મુખ્ય ધમની પ્રથમ વખત થોરાસિક એન્ડો વાસ્ક્યુલર એઓર્ટીક રીપેર પ્રક્રિયા દ્વારા સફળતાપૂર્વક રીપેર કરીને નવજીવન આપવામાં આવ્યું હતું.
આણંદના વતની અને 69 વર્ષીય વૃદ્ધાને હાઈપરટેન્શન અને કોલેસ્ટ્રોલ ઊંચી માત્રામાં હોવાથી રૂટિન ચેકઅપ માટે કરમસદ હોસ્પિટલના કાર્ડિયોક સેન્ટરમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. કુશલ પુજારાને બતાવા માટે આવ્યાં હતાં. દરમિયાન વૃદ્ધાને સીટીસ્કેન કોરોનરી કેલ્શયમ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં સીટી એન્જીયોગ્રામ કરતા કરતા હૃદયની ધમની ફાટેલી દેખાઈ હતી. આ નળી વધુ ફાટે તો દર્દીની જિંદગી જોખમમાં મુકાઈ શકે તેમ હોવાથી કાર્ડિયાક સેન્ટરની ટીમના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો કુશલ પુજારા, રેડીયોલોજીસ્ટ ડો. વિરલ પટેલ, વાસ્ક્યુલર સર્જન ડો. જયેશ પટેલ અને એનેસ્થેસીયોલોજીસ્ટ ડો. ગુરપ્રીત પાનેસર દ્વારા પ્રથમ વખત થોરાસિક એન્ડો વાસ્ક્યુલર એઓર્ટીક રીપેર પ્રક્રિયા દ્વારા સ્ટેન્ટ ગ્રાફટીંગ કરીને ધમનીની ફાટેલી જગ્યાને રીપેર કરવામાં આવી હતી.
આ અંગે ડો. કુશલ પુજારાએ જણાવ્યું હતું કે, આ મિનીમલ ઇન્વેસિવ પ્રક્રિયા છે. જેનાથી હૃદયની મુખ્ય ધમની રીપેર કરવામાં આવી હતી. હૃદયની મુખ્ય ધમની હૃદયમાં જોડાયેલી હોય છે અને તેની શાખાઓ શરીરના વિવિધ ભાગોમાં ફેલાયેલી હોય છે.
આથી મુખ્ય ધમની ફાટી જવાથી શરીરના અન્ય ભાગમાં જેમ કે મગજ, આંતરડા અને કિડની પર અસર પહોંચે છે, જો તેને સમયસર ઉપચાર ન કરવામાં આવે તો દર્દીનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. આથી શ્રીકૃષ્ણ હોસ્પિટલની હીલીંગ ટ્રી સેવાઓ અંતર્ગત ભાનુભાઇ અને મધુબેન પટેલ કાર્ડીયાક સેન્ટરમાં નવી પ્રક્રિયા સૌપ્રથમ વખત હાથ ધરવામાં આવી હતી.
હૃદયરોગથી પીડાતા વૃદ્ધાના સગાંવહાલાઓએ જણાવ્યું હતું કે, ભાનુભાઇ અને મધુબેન પટેલ કાર્ડીયાક સેન્ટરમાં ડોક્ટરની કુશળતા પર સંપૂર્ણ વિશ્વાસ હોવાથી અમે આ પ્રક્રિયા અહીં જ કરવાનું નક્કી કર્યું હતું. આ નવીન પ્રક્રિયા મેટ્રો શહેર અને વિદેશમાં થતી હોય છે અમે ત્યાં પણ જઈ શક્યા હોત પરંતુ આ જ હોસ્પિટલમાં મેટ્રો શહેર જેવી અને વિદેશ જેવી આધુનિક સારવાર ઉપલબ્ધ હોવાથી આ નવી પદ્ધતિથી હૃદયરોગનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું.