ઇન્સ્ટાગ્રામ પર કિંગ બન્યો કોહલી / 20 કરોડથી વધુ ફોલોઅર ધરાવતો વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો, એક-એક પોસ્ટથી 5 કરોડ રૂપિયાની કમાણી
વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી ક્રિકેટના મેદાન પર કંઈ ખાસ કરી શક્યો નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 20 કરોડ ફોલોવર્સ છે. આટલા બધા ફોલોવર્સ ધરાવતો તે પ્રથમ ભારતીય વ્યક્તિ છે. ફોલોવર્સના આ આંકડા સુધી પહોંચનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર પણ છે. એટલું જ નહીં તે એકંદરે તમામ રમતોમાં ત્રીજો સૌથી વધુ ફોલો કરવામાં આવતો ખેલાડી પણ છે. તેનાથી આગળ માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી છે.
પોર્ટુગીઝ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતો ખેલાડી છે. 45 કરોડથી વધુ લોકો તેને ફોલો કરે છે. તેના પછી આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીનું નામ આવે છે. મેસીના 33 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. વિરાટ અહીં 20 કરોડ ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે. કોહલી પછી બ્રાઝિલનો સ્ટાર સ્ટ્રાઈકર નેમાર 17.5 કરોડ ફોલોવર્સ સાથે આવે છે.
વિરાટ કોહલી છેલ્લા બે વર્ષથી લયમાં નથી. તેણે છેલ્લા અઢી વર્ષથી સદી નથી ફટકારી. તેણે છેલ્લે નવેમ્બર 2019માં સદી ફટકારી હતી. તેણે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ સામે આ સદી ફટકારી હતી.
ત્યારથી તેની સદીની રાહ જોવાઇ રહી છે. આઉટ ઓફ ફોર્મ હોવાના કારણે તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ ગુમાવી દીધી છે. ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ પહેલા તેણે ટી20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. તેના પછી તેની પાસેથી વનડે ટીમની કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. તેણે આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ટેસ્ટ કેપ્ટનશિપને પણ અલવિદા કહી દીધી હતી.