દાનવીર હોય તો આવા: વિશ્વ તમાકુ રોધી દિવસે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ 31 વ્યક્તિનાં વ્યસન છોડાવી તેમના નામથી 15 લાખનું દાન કર્યું
લેઉવા પટેલ ધોળકિયા પરિવાર દ્વારા હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ કુળદેવીના મંદિરના નિર્માણ માટે અનોખી રીતે દાન કર્યું હતું.
વ્યસન છોડનારનાં નામથી 51 હજારનું દાન. તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે, અહીં બેઠેલા લોકોમાંથી જેઓ વ્યસન કરતા હોય તેઓ હાથ ઉંચો કરે. તેમની વાત સાંભળીને 200 લોકોએ હાથ ઉંચો કર્યો.
પછી તેમણે કહ્યું કે, આમાંથી જે લોકો કાયમ માટે વ્યસન છોડવા તૈયાર હશે હું તેમના નામથી વતનમાં કુળદેવીના મંદિર માટે રૂ. 51 હજાર દાન કરીશ. જેથી 31 લોકોએ કાયમ માટે વ્યસન છોડવાની તૈયારી દર્શાવતા સવજી ધોળકિયાએ રૂ. 15.50 લાખ દાનમાં આપ્યા હતા.
2 કરોડના ખર્ચે બિલ્ડિંગનું બનશે. ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર છે. આ પ્રસંગે મંદિરના જીર્ણોદ્ધાર અને પરિવારજનો ત્યાં આવે તો તેમના ઉતારા માટે 2 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ પણ બનાવાશે. આ કામ માટે પરિવારના લોકો સમક્ષ ફંડ માટેની વાત મુકતા સવજીભાઈ ધોળકીયાએ દાન કરવાની અલગ રીત મૂકી એકસાથે બે કામ થઈ શકે તેવી પ્રપોઝલ મૂકી હતી.
‘વિશ્વ તમાકુ રોધી દિવસે આ વિચાર આવ્યો હતો’ અમારા કુળદેવીનું મંદિર નિર્માણ થતું હોય તેમાં અમારે અમારી રીતે આર્થિક સહયોગ તો આપવાનો જ હોય. જે દિવસે સ્નેહમિલન હતું તે દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ હોવાથી મને આ વિચાર આવ્યો. 31 વ્યક્તિએ વ્યસન છોડવાનો સંકલ્પ કરતા મંદિર નિર્માણમાં પહેલો આર્થિક સહયોગ એક્સ્ટ્રા મળ્યો હતો. – સવજીભાઈ ધોળકિયા, ફાઉન્ડર ચેરમેન હરેકૃષ્ણ ગ્રુપ