અમદાવાદના પટેલ યાત્રિક બન્યા અંબાજીમાં છેતરપિંડીનો શિકાર, માતાજીના ધામમાં પ્રસાદીનાં નામે ઉઘાડી લૂંટ
યાત્રાધામ અંબાજીમાં પ્રસાદીની ખરીદીમાં યાત્રિકો લુંટાતા હોવાની સમસ્યા હજુ પણ યથાવત રહેવા પામી છે. શુક્રવારે સવારે દર્શન કરવા આવેલ અમદાવાદના યાત્રિકને રૂપિયા 500ની પ્રસાદીની ટોપલીના રૂ.1360 વસૂલવા વેપારીઓ દ્વારા મારી નાખવાની ધમકી અને વસુલાતને લઈ યાત્રિક સમુદાયમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જન્મી છે. આ અંગે સમગ્ર મામલો અંબાજી પોલીસ મથકે પહોંચવા પામ્યો હતો.
રસ્તો બંધ હોવાનું કહી બીજે રસ્તેથી લઈ ગયો. અંબાજીમાં પ્રસાદ-પૂજાપાથી માંડી વિવિધ ચાંદીના અલંકારો અને યંત્ર ખરીદીમાં દૂરદૂરના અંતરેથી આવતા યાત્રિકો ઉઘાડી લૂંટ અને છેતરપિંડીનો ભોગ બનતા હોવાની સમસ્યા ઘર કરી ગઈ છે. આવો જ એક વધુ બનાવ અને કડવો અનુભવ શુક્રવારે સવારે અમદાવાદના ગોપાલભાઈ પટેલ તેમના મિત્રો સાથે પાટણથી અંબાજી માં અંબાના દર્શનાર્થે અનન્ય શ્રદ્ધા સાથે આવ્યા હતા.
જ્યાં અંબાજીમાં પ્રવેશતા જ એકાવન શક્તિપીઠ સર્કલ પર એક પ્રસાદીના વેપારીએ તેમને આગળ રસ્તો બંધ હોવાનું અને ગાડી પાર્કિંગ સુધી લઇ જવાનું જણાવી મંદિરના પાછળના ભાગે લઇ ગયો હતો. જ્યાં સુંધા માતા પ્રસાદ સ્ટોર પોતાનો હોવાનું કહી દુકાનમાંથી રૂ.251 ની કિંમતની બે પ્રસાદની ટોપલીઓ ભરતભાઈ સહિત સાથે આવેલા યાત્રિકને પધરાવી દીધી હતી.
મારી નાખવાની ધમકી આપી હતી. પ્રસાદના નાણાં ચૂકવવા બાબતે તેણે યાત્રિકને મંદિર બંધ થવાનો સમય જણાવી પ્રસાદના પૈસા પરત આવી આપવા જણાવ્યું હતું. ત્યારે દર્શન કરી પરત ફરેલા યાત્રિક એ બે ટોપલીના રૂ.251 લેખે 502 ચુકવવા જતા રૂ.1360 ની માગણી કરી હતી. આ બાબતે ઉગ્ર બોલાચાલી અને મામલો બિચકતા પ્રસાદીના વેપારી દિનેશભાઇ ગલબાજી વણજારા તેમજ મનીષભાઇ, રાહુલ અને રામુભાઇને બોલાવી યાત્રિકને રૂ.1360 નઇ આપો તો જીવતા નઈ જવા દઈએ તેવી ધમકી આપી ભયનો માહોલ ઉભો કર્યો હતો.
તંત્રએ કોઈ જ કાર્યવાહી ન કરી. દૂરના અંતરેથી આવેલા અને અંબાજીથી અજાણ એવા યાત્રિકોએ પોતાની સલામતી માટે રૂ.1360 ચૂકવી ગ્રાહક સુરક્ષા કેન્દ્રની સલાહથી અંબાજી પોલીસ મથકે પ્રસાદના વેપારી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
બેફામ છેતરપિંડીનો ભોગ બનતા યાત્રિકોની સમસ્યા પરત્વે વહીવટી તંત્ર દ્વારા કોઈજ ઠોસ કાર્યવાહી ના અભાવે કેટલાયે યાત્રિકો શિકાર બની રહ્યા છે. તો વળી દૂરના અંતરેથી આવતા કેટલાયે યાત્રિકો કાયદો અને સમય નાણાંના વ્યયને લઈ મુંગા મોંઢે દુઃખ સહન કરી વતનની વાટ પકડતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.