હાર્દિક પટેલના કેસરિયા થતા જોઇને ભાજપમાં ભડકો- જુઓ નેતાઓ સહીત કાર્યકર્તાઓએ કેવી રીતે હૈયા વરાળ ઠાલવી
રાજદ્રોહના કેસમાંથી છુટકારો મેળવવા કોંગ્રેસની વંડી ઠેકીને હાર્દિક પટેલ હવે કમલમની શરણે જઇ રહ્યો છે. ગુરૃવારે બપોરે 12 વાગે હાર્દિક પટેલ ભાજપના નેતાઓના હસ્તે કેસરિયો ખેસ પહેરીને સત્તાવાર રીતે પક્ષપલટો કરશે. જોકે, ભાજપમાં પ્રવેશ મેળવે તે પહેલાં જ સોશિયલ મિડીયામાં કોમેન્ટો ઉપરાંત વિડીયો વાયરલ કરી લોકોએ હાર્દિક પટેલની ધૂમ ઠેકડી ઉડાડી છે. કોઇકે તો એવી કોમેન્ટ કરી છેકે, સુબહ કા ભૂલા દેશદ્રોહી, શામ કો ભાજપમાં જુડ જાએ તો ઉસે દેશભક્ત કહેતે હે. ટૂંકમાં, કોમેન્ટોનો મારો ચલાવી લોકો હાર્દિક પટેલ વિરુધ્ધ સુર વ્યક્ત કરી રહ્યા છે.
ભાજપે મને રૂ.1,200 કરોડની ઓફર કરી હતી તેવું કહેનારા હાર્દિક પટેલે અત્યારે કેટલા લીધા હશે.. શું ડીલ કરી..
પાટીદાર અનામત આંદોલનના નામે નેતા બનેલાં હાર્દિક પટેલ હવે ભાજપમાં જવા ઉત્સુક બન્યો છે ત્યારે સોશિયલ મિડીયામાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છેકે, ભાજપે મને રૂ.1200 કરોડની ઓફર કરી હતી તેવુ કહેનારાં હાર્દિક પટેલે અત્યારે કેટલાં લીધા હશે. ભાજપ સાથે શું ડીલ કરી છે. એવી ય કોમેન્ટ કરાઇ છેકે, અનામત આંદોલન વખતે ગુજરાતને ભડકે બાળનારાંને કેવી રીતે માફ કરી શકાય. લોકોએ હાર્દિક પટેલને સેક્સ સીડી કાંડ યાદ દેવડાવી એવી ય કોમેન્ટ કરી છેકે, તા.2 જૂને સીડી કાંડ વાળા.બાબા નિરાલા, ભાજપ ભેગો થશે.
જેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો હતો તે આજે રાષ્ટ્રવાદી થઇ જશે તેવી કોમેન્ટ કરી લોકો હાર્દિક પટેલ વિરુધ્ધ ઉભરો ઠાલવી રહ્યા છે. શુ ભાજપને કાર્યકરો પર ભરોસો નથી તો હાર્દિકને લેવો પડયો. નિતીન પટેલ સહિતના નેતાઓની રાજકીય કારર્કિદી રોળી નાખનારાં હાર્દિક પટેલને કમલમમાં આવકારવા ભાજપના કાર્યકરો આતુર એવુ કહીને લોકો ભાજપની નેતાગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
માત્ર કોમેન્ટ જ નહી, લોકો હાર્દિક પટેલના જૂના વિડીયો પણ સોશિયલ મિડીયામાં શેર કરી રહ્યા છે. એક વિડીયોમાં તો હાર્દિક પટેલ કહી રહ્યો છેકે, ઓેવેસી અને ભાજપનુ ઇલુ ઇલુ છે. હવે હાર્દિક ખુદ ભાજપ સાથે ઇલુ ઇલુ કરવા જઇ રહ્યો છે.એક વિડિયોમાં હાર્દિક પટેલ ભાજપની ટીકા કરી રહ્યો છેકે, આટલા પેપરલીક થયા, ગુજરાતમાં હજારો યુવાઓ બેકાર છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.તો ય તમને ભાજપ ગમે છે… હાર્દિક એવુ ય કહી રહ્યો છેકે, હું ભાજપમાં જાઉ તો છઠ્ઠીનુ ધાવણ લાજે…એક વિડીયોમાં તો ભાજપના નેતા એવી ચેલેન્જ કરી રહયા છેકે, જો હાર્દિક પટેલ ગુજરાતની કોઇપણ બેઠક પર લડે તો ડિપોઝીટ જપ્ત થઇ જશે.
હાર્દિક પટેલે ભાજપના નેતાઓને વિનવણી કરવી પડી, ભીડ ભેગી કરી આપો. હાર્દિક પટેલ ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યો છે જેથી પાટીદાર આંદોલનકારી નેતાઓ નારાજ છે. હાર્દિક પટેલે ફોન કરીને સાથીદારોને ભાજપમાં જોડાવવા અપીલ કરી પણ તેનો ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી. ચર્ચા છેકે, મોડી રાતે હાર્દિક પટેલે ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય પહોચ્યો હતો જયાં તેમણે સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરી કમલમમાં ભીડ ભેગી કરવા વિનવણી કરી હતી. મોડી રાત સુધી ભીડ ભેગી કરવા આયોજન કરાયુ હતું કેમ કે, હાર્દિક પટેલ પોતાની સાથે પાટીદારો અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવુ દેખાડી શક્તિ પ્રદર્શન કરવા ઉત્સુક છે.
ફાંટા પડયા : હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ માટે અલગ અલગ કાર્યક્રમ રખાયા. કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ આવતીકાલે કેસરિયો ખેસ પહેરશે. જોકે, હાર્દિક પટેલે શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે કેસરિયો ખેસ પહેરવાની ના પાડી દીધી હતી. આ જોતાં અલગ અલગ બે કાર્યક્રમ રાખવા પડયા છે. સવારે 11 વાગે શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં પ્રવેશ મેળવશે જયારે બપોરે 12 વાગે હાર્દિક પટેલ કેસરિયો ખેસ પહેરશે. હાર્દિક પટેલ અલગથી શક્તિ પ્રદર્શન કરવા ઇચ્છુક છે જેથી શ્વેતા બ્રહ્મભટ્ટને પહેલાં ભાજપમાં જોડાઇ જવા કહી દેવાયુ છે. ટૂંકમાં, ભાજપમાં પ્રવેશ મુદ્દે ડખો થતાં અલગ અલગ કાર્યક્રમ રાખવા પડયા છે.
આનંદીબેન પટેલે હાર્દિકને મળવાની ના પાડી દીધી. ભાજપમાં પ્રવેશ મેળવે તે પહેલા હાર્દિક પટેલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવાનો પ્રયત્ન કર્યો હતો પણ આનંદીબેન પટેલે હાર્દિકને મળવાની ના પાડી સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે મને મળવાની જરૂર જ નથી સાહેબને મળી લેજો અને આંદોલન અંગે વિગતવાર વાત કરી લેજો.