google-site-verification: googlec8654436f05b508b.html

ગુજરાત : થેલેસેમિયા વાળા યુવક-યુવતીએ સગાઈ કરી, ઘૂઘરા વહેંવાની શરૂઆત કરી…હિંમતવાન કહાનિ…

ગુજરાત : થેલેસેમિયા વાળા યુવક-યુવતીએ સગાઈ કરી, ઘૂઘરા વહેંવાની શરૂઆત કરી…હિંમતવાન કહાનિ…

રાજકોટના થેલેસેમિયા વાળા યુવક-યુવતીએ સગાઈ કર્યાં બાદ ડરવાના બદલે લારી ઉપર ઘૂઘરા વહેંવાની શરૂઆત કરી અને ખુમારીથી જીવન જીવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી શરૂ કરેલી આ સફરમાં લોકોના સારા સહયોગથી તેઓ રોજિંદા 400 થી 500 અને માસિક 12 થી 15 હજારની કમાણી કરે છે.

હું 6 મહિનાનો હતો ત્યારથી થેલેસેમિયાની બીમારી
હું 6 મહિનાનો હતો ત્યારે મને થેલેસેમિયાની બીમારી હોવાનો ખ્યાલ આવ્યો હતો. વર્ષ 1999માં આ પ્રકારની બીમારી અંગે જાગૃતિ ન હોવાથી શરીરમાં લોહી ઘટવા લાગતા કેટલા દિવસે લોહી ચડાવવાનું તેવી કોઈ જ સમજ નહોતી. આ સમયે એવું મનાતું હતું કે, થેલેસેમિયાથી પીડિત બાળક 15થી 16 વર્ષ માંડ જીવી શકે છે. જેથી ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઈવિંગ કામ કરતા પિતા દિપકભાઈ અને માતા રેખાબેન પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

જસદણ રહેતા હોવાથી બ્લડ ચડાવવા રાજકોટ આવવું પડતું હતું. પરંતુ, ધીમે ધીમે સમય જતા જાગૃતિ આવી અને પરિવાર સાથે રાજકોટ સ્થાયી થયા. પરિસ્થિતિ પણ સુધરી, જેથી લાઈફ બ્લડ બેંકમાંથી નિયમિત બ્લડ મળવા લાગ્યું અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દર 15 દિવસે બ્લડ ચડાવવામાં આવે છે. મારી સગાઈ પાયલ સાથે થઈ, જે પણ થેલેસેમિયાગ્રસ્ત છે અને તેમના પિતા મેટોડા GIDC વિસ્તારમાં ઘૂઘરાની લારી ચલાવી રહ્યા છે. નોકરી કરીએ તો સવારે 10થી સાંજના 8 વાગ્યા સુધી કામ રહેતું હોય છે જે થેલેસેમિયા મેજર હોવાથી થોડું અઘરું રહે છે. માટે કંઇક ધંધો કરવા વિચાર આવ્યો અને મારા સસરા પાસેથી ઘૂઘરાની લારી ચલાવવા પ્રેરણા મેળવી.

રાજકોટની કટારીયા ચોકડી ખાતે મેં ઘૂઘરાની લારી શરૂ કરી છે. અહીં સાંજના 4થી રાતના 9 વાગ્યા સુધી હું અને મારી ફિયાન્સી પાયલ બંને ઉભા રહીએ છીએ. છેલ્લા એક મહિનામાં રોજિંદા 400થી 500 એટલે કે માસિક 12થી 15 હજાર વકરો થવા લાગ્યો છે. હાલમાં માસિક દવાનો ખર્ચ અંદાજિત 1000 રૂપિયા જેવો થાય છે. 22 વર્ષીય પાયલ વેગડાએ જણાવ્યું હતું કે, હું પણ સાડા ચાર માસની હતી ત્યારે થેલેસેમિયા મેજર હોવાનું નિદાન થતાં માતા પ્રવિણાબેન અને પિતા કિરીટભાઈ પર જાણે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, હવે પરિસ્થિતિ સુધરી છે અને થેલેસેમિયા સાથે જીવતા અમે શીખી ગયા છીએ. કંઈક કરવાનું નક્કી કરી પગભર બનવા માટે ઘૂઘરાની લારી શરૂ કરી છે. જેમાં સવારથી તૈયારી ઘરે શરૂ કરી દેવામાં આવે છે. બપોર સુધીના સમયમાં ઘૂઘરા બનાવવા માટે કાચું મટિરિયલ તૈયાર કરી લારી પર આવી જાઈએ છીએ અને ગ્રાહક આવે તો ત્યારે તેને અમે ગરમા ગરમ પૌષ્ટિક ઘૂઘરા ખવડાવીએ છીએ. લોકોને મારો એક જ સંદેશ છે જીવનમાં કંઈ પણ થાય પરંતુ હાર ન માનવી જોઈએ.

નવદંપતીની લારી પર નાસ્તો કરવા માટે આવતી યુવતી જાનકીએ જણાવ્યું હતું કે, અહીંના ઘૂઘરા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ગરમા ગરમ અને પૌષ્ટિક ઘૂઘરા મળે છે. મિત્રો અને પરિવાર સાથે અહીંયા નાસ્તો કરવા માટે આવું છું અને ઘૂઘરા વેંચતા અભિષેકભાઈ અને પાયલબેન થેલેસેમિયા મેજર હોવાનું માલૂમ પડતા અમે આશ્ચર્યચકિત થયા હતા અને આજે બંનેની ખુમારી તમામ માટે પ્રેરણારૂપ બની રહે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, અભિષેક વ્યાસ અને પાયલ બંને કોરોનાના કપરા કાળ દરમિયાન મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરતા હતા. કારણ કે, દર 12 દિવસે લોહી બદલવું પડે, પરંતુ, આ સમયે ડોનર મળતા નહોતા તો 12ના બદલે 15-16 દિવસે લોહી બદલવામાં આવતું હતું. માટે આ સમય દરમિયાન ખૂબ જ નબળાઈ રહેતી હતી અને આંખો પીળી પડી જતી હતી.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *