જામનગર: સમુદ્ર કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં આખેઆખો પરિવાર તણાય ગયો, બે મહિલાઓનો બચાવ, બાળકની શોધખોળ ચાલુ…
રાજ્ય માં ગરમી થી છુટકારો અને વરસાદ નું ધીમું ધીમું આગમન થઈ રહ્યું છે ત્યારે વરસાદી વાતાવરણને લઈને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં પોરબંદરના દરિયાકાંઠે કરુણાંતિકા સામે આવી છે. પોરબંદરના કુછડી ગામ નજીક દરિયામાં જામનગરનો પરિવાર સેલ્ફી લઈ રહ્યો હતો આ દરમિયાન દરિયામાં મોજા ઉછળતા આ મોજામાં બે મહિલા અને એક બાળક સહિતનો પરિવાર તણાયા હતા. જે અંગે નજીકના લોકોને જાણ થતાં બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે જયારે લાપતા બાળકની શોધખોળ ચાલી રહી છે.
દરિયામાં સેલ્ફી લેતી વેળાએ ઘટી દુર્ઘટના
આ દુ:ખદ ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર પોરબંદર ખાતે જામનગરનો પરિવાર ફરવા આવ્યો હતો. જે વરસાદી વાતાવારની મોજ માણવા કુછડી ગામ નજીક દરિયા કિનારે ગયો હતો આ દરમિયાન તીવ્ર મોજાની થપાટમાં બે મહીલા અને એક બાળક ડુબવા લાગ્યા હતા
જેમણે દેકારો બોલાવતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તાબડતોડ બચાવ કામગીરી હાથ ધરી હતી. જેના ફળ સ્વરૂપે બે મહિલાઓને હેમખેમ ઉગારી લેવામાં આવી હતી જયારે બાળક દરિયામાં લાપતા બન્યો હતો. મળતી વિગત મુજબ દરિયામાં સેલ્ફી લેતી વેળાએ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકની શોધખોળ
બીજી તરફ દરિયામાં તણાતી મહીલાઓને ઉગારી તો લેવામાં આવી હતી પરંતુ તેણીને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલ પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં પોલીસ દ્વારા નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સેલ્ફી લેતી વખતે બનેલી ઘટનામાં તણાઈ ગયેલા બાળકનો પત્તો ન લગતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ પેહલા પણ સુરત ના સુંવાળી બીચ પર સમુદ્ર માં ડૂબવા ની આવી ઘટના સામે આવી હતી