Sonu Sood કયાંથી લાવે છે આટલા બધા રૂપિયા, કરે છે હજારો લોકોની મદદ
Sonu Sood : સોનુ સૂદ આજે માત્ર એક અભિનેતા તરીકે ઓળખાતા નથી, પરંતુ કોરોનાકાળમાં જરૂરિયાતમંદોની મદદ માટે તેઓ જે રીતે આગળ આવ્યા, તેના કારણે લોકો તેમને મસીહા અને ભગવાનનો પણ દરજ્જો આપવા લાગ્યા છે.
સમગ્ર દેશમાં લોકો Sonu Sood નું ખૂબ સન્માન કરે છે. તાજેતરમાં જ સોનુ સૂદ શો ‘આપ કી અદાલત’માં જોવા મળ્યા, જ્યાં તેમને પૂછવામાં આવ્યું કે આટલા બધા મજૂરો અને વિદ્યાર્થીઓને લોકડાઉનના સમયે ઘરે મોકલવા માટે તેમના પાસે રૂપિયા ક્યાંથી આવ્યા?
Sonu Sood એ કર્યો ખુલાસો
Sonu Sood એ આ પ્રશ્નના જવાબમાં કહ્યું, “જ્યારે મેં આ કામ શરૂ કર્યું, ત્યારે મને ખબર હતી કે લોકોની જે લેવલની ડિમાન્ડ આવી રહી છે, તેને તમે બે દિવસ પણ ટકી ના શકો. મને લાગ્યું કે આને જોડવું કઈ રીતે?
તો હું જે બ્રાન્ડ્સ પર કામ કરી રહ્યો હતો, તેમને ડોનેશન માટે કામે લગાડ્યા. મેં હોસ્પિટલોને, ડોક્ટરોને, કોલેજોને, ટીચર્સને, દવા કંપનીઓને આ કામ પર લગાવ્યા. મેં કહ્યું, ‘હું ફ્રીમાં કામ કરીશ.’ તો તેઓ જોડાતા ગયા અને આપમેળે કામ થઈ ગયું.”
સોનુ સૂદ જરૂરિયાતમંદો માટે રૂપિયા ક્યાંથી લાવે છે?
વધુમાં સોનુ સૂદે જણાવ્યું કે અમુક મોટા NGOsએ મને ફોન કર્યો અને કહ્યું, “સોનુ સૂદ, દેશની 130 કરોડની વસતી છે. તમે સર્વાઈવ કરી શકશો નહીં.” મેં કહ્યું, “જે મારા ઘરની નીચે આવે છે, તેમને હું ના પાડી શકતો નથી.
આજે જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી, કોઈપણ નાના જિલ્લા કે નાના રાજ્યમાં, ક્યાંય પણ તમે કહો, હું કોઈને પણ ભણાવી શકું છું, કોઈની પણ સારવાર કરાવી શકું છું, અને કોઈને પણ નોકરી અપાવી શકું છું. તમે એક ફોન કરશો, હું કામ કરાવી આપીશ.”
સોનુ સૂદનો મસીહા બનવાનો યત્ન
કોરોનાકાળમાં, સોનુ સૂદે સોશિયલ મીડિયા પરથી લઈને પોતાના ઘરની બારી સુધી જે પણ જરૂરિયાતમંદ આવ્યા, દરેકની મદદ માટે મસીહા બનીને આગળ આવ્યા.
આજે પણ સોનુ સૂદ સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાભરના લોકો સાથે જોડાતા રહે છે. સોનુ સૂદે એ પણ જણાવ્યું કે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેન્ડલ કરવા માટે કોઈ ટીમ રાખી નથી, પરંતુ તેઓ પોતે જ તમામ ટ્વીટનો જવાબ આપે છે.
દાન કરવાથી મને આનંદ થાય છે
સોનુ સૂદે કહ્યું કે, તેને પોતે પણ વિચાર્યું ન હતું કે તે ક્યારેય દુઃખી અને પરેશાન લોકોની આ રીતે મદદ કરી શકશે. તેણે કહ્યું, “હું વિચારતો હતો કે મારી કોઈ પણ ફિલ્મ 100 કરોડના ક્લબમાં પહોંચવામાં મારી સૌથી મોટી ખુશી છે. પરંતુ જ્યારે મેં કોવિડ રોગચાળા દરમિયાન લોકોને મદદ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને સમજાયું કે આ જ સાચી ખુશી છે.
જ્યારે મેં 100થી 1000 લોકોને ભોજન અને દવાઓ પહોંચાડ્યા, લોકોને તેમના ઘરે પહોંચાડ્યા અને જ્યારે મેં તેમના ચહેરા પર ખુશી જોઈ, ત્યારે મને સમજાયું કે આ જ સાચી ખુશી છે. હું પોતે જાણતો નથી કે હું કેવી રીતે લોકોને મદદ કરવા નીકળું છું.”
સોનુ સૂદે એમ પણ કહ્યું કે, કદાચ મારા માતા-પિતાના કારણે જ મારામાં લોકોની મદદ કરવાની ભાવના આવી છે, કારણ કે મારા માતા-પિતા પણ લોકોને મદદ કરતા હતા. મારી માતા પ્રોફેસર હતી, તે ઘણા લોકોને મફતમાં ભણાવતી હતી.
મારા પિતા પણ પંજાબમાં લોકોને મદદ કરતા હતા. કદાચ આ કારણે મારી અંદર પણ એ જ ગુણો આવ્યા જે મને ત્યારે ખબર પડી જ્યારે મેં કોરોના દરમિયાન લોકોની મદદ કરવાનું શરૂ કર્યું.
તે સમય દરમિયાન, મેં મારી આઠ મિલકતો ગિરવે મૂકી અને 10 કરોડ રૂપિયાની લોન લીધી જેથી હું લોકોને મદદ કરી શકું. મેં 200થી 400 લોકોને ખવડાવીને શરૂઆત કરી, જે પાછળથી સાડા સાત લાખ લોકો સુધી પહોંચી.
સોનુ સૂદ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા, કોઈ NGO તેને મદદ કરે છે? સોનુ સૂદે આ પ્રશ્નો પૂછનારાઓને કહ્યું, “મેં કોઈ એનજીઓની મદદ લીધી નથી, મેં મારા મિત્રો પાસેથી આર્થિક મદદ લેવાનું શરૂ કર્યું, જેમાંથી કેટલાકની પાસે રેસ્ટોરન્ટ હતી અને કેટલાકની ટ્રાવેલિંગ એજન્સી હતી.
મારી પોતાની રેસ્ટોરન્ટ પણ હતી. અમે તે રેસ્ટોરન્ટ અને ટ્રાવેલિંગ એજન્સી દ્વારા લોકોને મદદ કરવાનું શરૂ કર્યું અને તે પછી આ કાફલો વધતો ગયો.
કારણ કે લોકોને લાગ્યું કે હું મારા પૈસા યોગ્ય જગ્યાએ રોકી રહ્યો છું, ઘણા લોકો આપોઆપ મદદ માટે આગળ આવ્યા. આ સિવાય મેં ઘણી બ્રાન્ડ્સ માટે કામ કર્યું અને તેમની પાસેથી પૈસા લીધા નહીં, પણ લોકોને મદદ કરવા માટે તેમની પ્રોડક્ટ્સ આપવા કહ્યું.”
વધુ વાંચો: