Prime Minister of Britain દિલ્લી અક્ષરધામની મુલાકાતે, કહ્યું મને હિન્દુ હોવા પર અત્યંત ગર્વ છે…
Prime Minister of Britain: બ્રિટનમાં ‘જય સિયારામ’ બોલીને હિન્દુ હોવાનો ગર્વ વ્યક્ત કરનાર Prime Minister of Britain ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. દિલ્હી એરપોર્ટ પર પણ કેન્દ્રીય મંત્રી ચૌબેએ જય સિયારામ બોલીને સ્વાગત કર્યું હતું અને આજે અક્ષરધામ પહોંચેલા સુનકે નીલકંઠવર્ણી સ્વામિનારાયણની પૂજા કરી હતી.
”હું વડાપ્રધાન તરીકે નહીં પણ હિન્દુ તરીકે મોરારિબાપુની કથામાં આવ્યો છું.” આ વાક્ય બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનું છે. 25 દિવસ પહેલાં જ મોરારિબાપુની કથામાં ગયેલા ઋષિ સુનક ભારતમાં G20 સમિટમાં ભાગ લેવા દિલ્હી આવી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતાનું સ્વાગત ‘જય સિયારામ’ બોલીને કર્યું હતું. દેશમાં સનાતન ધર્મ પર વિવાદ વંટોળ ઘુમરાઈ રહ્યો છે ત્યારે જ કેન્દ્રીય મંત્રીનો અનોખો આવકાર ચર્ચાનો વિષય બન્યો હતો. બીજી તરફ વડાપ્રધાન ઋષિ સુનકે સામેથી જ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને રવિવારે સવારે દિલ્હીના અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર જવું છે અને ત્યાં દર્શન કરવા છે.
25 દિવસ પહેલાં બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કોલેજમાં યોજાયેલી મોરારિબાપુની રામકથામાં ઋષિ સુનક ગયા હતા. ત્યાં તેમણે ઉદ્બોધન આપીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ઉદ્બોધનની શરૂઆત જ તેમણે ‘જય સિયારામ’ બોલીને કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારા માટે આસ્થા બહુ વ્યક્તિગત છે. આ મારા જીવનનાં દરેક ડગલે માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ મોટું સન્માન છે પણ આ કોઈ સરળ કામ નથી. મારી સામે પડકારો ઘણા છે પણ આપનો વિશ્વાસ દેશ માટે સાહસ અને શક્તિ આપે છે. બ્રિટનની કથામાં આવેલા ઋષિ સુનકને મોરારિબાપુએ સોમનાથ મંદિરના શિવલિંગનું પ્રતીક ભેટમાં આપ્યું.
બ્રિટનમાં મોરારિબાપુએ સુનકને શિવલિંગ આપ્યું હતું.
આ ઘટનાના 25 દિવસ પછી ઋષિ સુનક દિલ્હીમાં G20 સમિટમાં ભાગ લેવા આવી પહોંચ્યા. દરેક અતિથિઓના સ્વાગતની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓને સોંપવામાં આવી હતી. ઋષિ સુનકના સ્વાગતની જવાબદારી કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેને સોંપવામાં આવી હતી. ચૌબેએ દિલ્હી એરપોર્ટ પર ઋષિ સુનકનું સ્વાગત કર્યું ત્યારે ‘જય સિયારામ’ કહીને કર્યું હતું. આ વિધાનની તમામ મીડિયાએ નોંધ લીધી ત્યારે ચૌબેએ કહ્યું કે, મેં અક્ષતા અને ઋષિજીનું સ્વાગત દીકરી-જમાઈ તરીકે કર્યું હતું. હું બિહારના બક્સરથી સાંસદ છું. બક્સર પ્રાચીનકાળમાં અધ્યાત્મિક નગરી રહી છે. અહીં જ રામ, લક્ષ્મણે ગુરુ વિશ્વામિત્ર પાસેથી શિક્ષા લીધી હતી. અશ્વિની કુમાર ચૌબેએ સુનકને રુદ્રાક્ષ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને હનુમાન ચાલીસા ભેટમાં આપ્યાં.
કેન્દ્રીય મંત્રી ચૌબેએ ‘જય સિયારામ’ કહીને સ્વાગત કર્યું હતું
આજે રવિવારે સવારે રાજઘાટ જતાં પહેલાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પૂજારીએ બંનેનું સ્વાગત કર્યું અને પછી મુખ્ય મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ઋષિ અને તેમનાં પત્ની 45 મિનિટ સુધી મંદિરમાં રોકાયાં હતાં. તેમણે મુખ્ય મંદિરની પાછળ આવેલા મંદિરમાં નીલકંઠવર્ણીને જળાભિષેક કર્યો હતો. તેમની સુરક્ષા માટે મંદિરની અંદર અને બહાર સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.
સુનકે કહ્યું- મને હિંદુ હોવાનું ગર્વ છે
સુનકે શનિવારે 9 સપ્ટેમ્બરે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની વાત કરી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું- મને હિન્દુ હોવા પર ગર્વ છે. આ રીતે મારો ઉછેર થયો છે અને હું આ રીતે છું. મેં રક્ષાબંધનની ઉજવણી કરી. સમયના અભાવે હું જન્માષ્ટમી ઊજવી શક્યો નહીં. પરંતુ આશા છે કે મંદિરમાં દર્શન કરીને આ ઈચ્છા પૂરી થઈ જશે. વિશ્વાસ જ આપણને શક્તિ આપે છે.
સુનક જી-20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે
કોણ છે ઋષિ સુનક?
ઋષિ સુનક (43) ઓક્ટોબર 2022માં બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને બિન-શ્વેત વડાપ્રધાન છે. સુનક ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિના જમાઈ છે. અક્ષતા એ નારાયણ અને સુધા મૂર્તિની પુત્રી છે.
ઋષિ સુનકનાં માતા-પિતા પંજાબનાં હતાં, જેઓ વિદેશમાં સ્થાયી થયાં હતાં. સુનકનો જન્મ 12 મે 1980ના રોજ હેમ્પશાયર, બ્રિટનમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલોસોફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
રાજનીતિમાં જોડાતાં પહેલાં ઋષિએ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સ અને હેજ ફંડ્સમાં કામ કર્યું હતું. આ પછી તેમણે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પણ સ્થાપી. તેમનાં માતા ઉષા ફાર્માસિસ્ટ હતાં. સુનકના પિતા યશવીર ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે.