અનંત અંબાણીના ગોળધાણામાં લગ્નગીતો ગાનારા સુરતી સિંગરે કહ્યું- ‘નીતાબેનની આભા જ અલગ છે’…, નીતાબેનના શબ્દો હજી પણ મારા દિલ અને દિમાગમાં છવાયેલા છે…
‘લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી
મારા બેની સાસરિયે લીલા લહેર છે…’
આ જાણીતું લગ્નગીત મુંબઈસ્થિત અંબાણી પરિવારના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’માં જ્યારે ગૂંજી ઊઠ્યું, ત્યારે માત્ર અંબાણી પરિવાર જ નહીં, પરંતુ હાજર રહેલા તમામ મહેમાનો ઝૂમી ઊઠ્યા હતા. આ ગીત સુરતના વૈશાલીબેન ગોહિલે ગાયું હતું. વાત જાણે એમ છે કે, અંબાણી પરિવારના મહેલમાં આ લગ્નગીત ગૂંજ્યું તે પહેલાં ઘણા દિવસો અગાઉ આ લગ્નગીતની રીલ સોશિયલ મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ હતી, જેમાં વૈશાલીબેને ટીમ સાથે લગ્નોગીતો ગાતાં હતાં. આ રીલ ફરતી ફરતી દેશના સૌથી ધનવાન એવા અંબાણી પરિવારનાં નીતા અંબાણીના ‘ગુજરાતી ગ્રૂપ’માં આવી હતી. આ લગ્નગીત સાંભળીને નીતા અંબાણીએ નક્કી કરી લીધું હતું કે રીલમાં જે મહિલાઓ આ લગ્નગીત ગાય છે, તે મહિલાઓ એન્ટિલિયામાં અનંત અંબાણીના ગોળધાણાના પ્રસંગમાં ગાશે. અને પછી તે પ્રસંગમાં વૈશાલીબેને અંબાણી પરિવાર સહિત મહેમાનોને પણ સૂરીલા કંઠે આ પારંપરિક લગ્નગીતથી ડોલાવ્યાં.
હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે અને લગ્નગીત વગર તો આપણાં લગ્નપ્રસંગો અધૂરા જ ગણાય. ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ એપે વૈશાલી બેન સાથે તેમને એન્ટિલિયામાં કેવી રીતે ગાવાની તક મળી? ત્યાંથી માંડીને તેમના જીવનના અથાગ સંઘર્ષ, તેમની ફિલ્મી લવસ્ટોરી અને પતિના મિત્ર અશોકભાઈ સાથે મળીને કેવી રીતે કંપની શરૂ કરી તે વિશે મોકળા મને ઘણી બધી વાતો કરી…
‘મમ્મીના શોખને કારણે સંગીતમાં આવી’
‘1972 બારડોલીમાં જન્મેલાં વૈશાલીબેનના પેરેન્ટ્સ મુંબઈમાં ટીચર અને પ્રોફેસરની જોબ કરતાં હતાં. પરિવારમાં ચાર વર્ષ મોટો ભાઈ અને સાત વર્ષ નાનો ભાઈ છે. સંગીતનાં ક્ષેત્રમાં પ્રવેશના સંજોગો વિશે વાત કરતાં વૈશાલી બહેન કહે છે, ‘અત્યારે તો બહુ યાદ નથી, પણ મારા મમ્મીને સંગીતનો શોખ હતો. મારા મમ્મી માઉન્ટેનિયર અને ટ્રેકિંગમાં પણ એક્ટિવ હતી આથી તે કેટલાંક કારણોસર સંગીતને વધુ સમય આપી શકતી નહોતી. મારાં પેરેન્ટ્સને બિઝનેસ કરવો હતો એટલે તેઓ સુરત શિફ્ટ થયા અને પપ્પાએ મેડિકલ સ્ટોર શરૂ કર્યો હતો. હું નાનપણમાં ઘણીવાર પપ્પા સાથે મેડિકલ સ્ટોર પર બેસતી. સુરતમાં મેં ભક્તિબેન શુક્લા પાસેથી ક્લાસિકલ સંગીત શીખવાની શરૂઆત કરી હતી. ભક્તિબેનનું અવસાન થતાં હું સુરતના જાણીતા સંગીતગુરુ મહાદેવભાઈ શાસ્ત્રી પાસેથી સંગીત શીખી. તેમનું અવસાન થતાં તેમના દીકરા જયંતીભાઈ પાસેથી પણ શીખી.’
‘મેં ત્યારે ભલે સંગીતમાં કરિયર બનાવવાનું ના વિચાર્યું હોય પણ અમારા ઘરે કે સંબંધીઓમાં કોઈ પ્રસંગ હોય કે બધા ભેગા થયા હોય તો મમ્મી મને ગાવાનું કહે, ત્યારે હું હાર્મોનિયમ સાથે ગાતી. તે સમયે અગિયાર સાયન્સમાં સંગીત સબ્જેક્ટ તરીકે નહોતો એટલે મેં સાયન્સને બદલે કોમર્સ લીધું હતું. વેકેશનમાં મેં સીવણ ને મહેંદીના ક્લાસ પણ કર્યા હતા. મને આજે પણ યાદ છે કે હું જ્યારે પહેલીવાર મહેંદીનો કોન બનાવતા શીખી પછી મેં મારા પપ્પાના મેડિકલ સ્ટોરમાં એ કોન વેચવા મૂક્યો હતો. તે કોનના મને 50 પૈસા મળ્યા હતા. પછી તો હિંમત આવી તો ચૈત્ર મહિનામાં કોન બનાવીને ઘેર-ઘેર વેચવા પણ જતી. બસ, નાનપણથી જ મારા મગજમાં બિઝનેસ બેસી ગયો. મારા જીવનનો એક સિમ્પલ નિયમ છે કે ‘તમને કંઈક આવડે તો તેને વેચો.’
અંબાણી પરિવારમાં કેવી રીતે ગાવાની તક મળી?
વૈશાલીબેન જણાવે છે, ‘ઘણાં લોકો એવું માને છે કે, અમે કોઈની ભલામણ કે ઓળખાણથી ત્યાં ગયાં હતાં, પરંતુ આ વાત સાચી નથી. એન્ટિલિયાના એસ્ટેટ સુપરવાઇઝર અને રેસિડન્સ ગિરીશભાઈ વશી (વશીકાકા)નો મારા અને અશોકભાઈના વ્હોટ્સએપમાં મેસેજ આવ્યો હતો. હું પ્રોગ્રામમાં હતી તો ફોન રિસીવ કર્યો ન હતો. પછી અશોકભાઈ પર ફોન આવ્યો કે ‘હું ગિરીશભાઈ વશી બોલું છું અને મેં તમને મેસેજ કર્યો છે. નીતાબેન અંબાણીએ એક વીડિયો શૅર કર્યો છે અને મને એવું કહ્યું છે કે, આ બેન અને તેમની સાથે ગીત ગાનારી છોકરીઓ કોણ છે. તે શોધી લાવો. એટલે મેં તમને સર્ચ કર્યાં છે.’ અંબાણી પરિવારમાંથી આવેલા ફોન પહેલાના સંયોગો વિશે વાત કરતાં વૈશાલીબેન કહે છે કે, ‘જે વીડિયો હતો, તેમાં અમે રીલ બનાવી હતી તો અમારી ઇન્સ્ટાની આ રીલ નીતાબેનને તેમના ગુજરાતી ગ્રુપમાં કોઈએ ફોરવર્ડ કરી હતી અને નીતાબેને આ વીડિયો જોયો અને તેમને ઘણો જ ગમ્યો હોવાથી અમારો કોન્ટેક્ટ કર્યો હતો. અમારા માટે આ ઘણા જ ગર્વની વાત છે કે અમે સર્ચમાં આવ્યા અને અમને એન્ટિલિયામાં પર્ફોર્મ કરવા મળ્યું.’
‘શરૂઆતમાં તો અમે આને આ ‘ફૅક કૉલ’ માનેલો’
વૈશાલીબેન કોલ બાદની પોતાની મનોસ્થિતિ વિશે વાત કરતાં કહે છે કે, ‘પહેલીવાર જ્યારે આ રીતે વાત થઈ તો અમને વિશ્વાસ ન થયો. કેમકે, આજકાલ તો ફૅક કૉલ પણ ઘણા આવતા હોય છે. જોકે, પછી વશીકાકાનો લાંબો મેસેજ આવ્યો અને ત્યારે તેમણે તારીખ નહોતી કહી. તેમણે અમને પેન ડ્રાઇવ અને CDમાં લગ્નગીતોના પ્રેઝેન્ટેશન ટાઇપ વીડિયો બનાવીને મોકલી આપવાનું કહ્યું. અમે ‘વેલકમ’થી લઈ ‘વિદાય’ સેરેમની સુધીનાં લગ્નગીતોનો 12 મિનિટનો વીડિયો ગૂગલ ડ્રાઇવ પર મોકલ્યો અને પેન ડ્રાઇવ અને CD કુરિયર કર્યાં.
‘એક ડર પણ હતો’
‘અમે તો અમારા તરફથી બધું મોકલાવી દીધું અને અમે રાહ જોતા હતા કે ત્યાંથી શું જવાબ આવશે. મનમાં થોડો પણ ડર હતો કે હવે શું થશે..હવે શું થશે… અમે તે સમયે કોઈને વાત પણ નહોતી કરી કે, અમારે આ રીતે અંબાણી પરિવાર સાથે વાતચીત ચાલે છે. ત્યારે મનમાં હતું કે જો બધે કહી રાખ્યું હોય અને ત્યાંથી ‘ના’ આવે તો બધા કેવું વિચારે?
ધર્મસંકટમાંથી આ રીતે માર્ગ કાઢ્યો…
કુરિયર મોકલવાથી માંડી ત્યાંથી જવાબ આવ્યો તે બધી ક્ષણોને જીવનભરનાં સંભારણાંની જેમ વાગોળતાં વૈશાલીબેન કહે છે, ‘ત્રણેક દિવસ પછી પાર્થિવ ગોહિલનો ફોન આવ્યો. અશોકભાઈ અને પાર્થિવ ગોહિલ મિત્રો છે.પાર્થિવ અને અંબાણી પરિવાર વચ્ચે 25 વર્ષથી મિત્રતા છે. થોડા દિવસ બાદ વશીકાકાએ કહ્યું કે અમારે 19મી જાન્યુઆરી, 2023એ એન્ટિલિયામાં પર્ફોર્મ કરવાનું છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ આવી કે અમે આ તારીખ પહેલેથી જ આપી દીધી હતી. અમે સુરતમાં અરવિંદભાઈને ત્યાં 18મીએ ગરબા અને 19મીએ લગ્નગીતો ગાવાનાં હતાં. અરવિંદભાઈનો આગ્રહ હતો કે હું તેમના ત્યાં લગ્નગીતો અને ગરબા ગાઉં. પછી અરવિંદભાઈને ફોન કર્યો કે અમારે એન્ટિલિયામાં પર્ફોર્મ કરવા જવાનું છે તો તમે જો હા પાડો તો અમે જઈએ. અરવિંદભાઈનો જેટલો આભાર માનું તેટલો ઓછો, તેમણે હા કહી એટલે જ અમે ત્યાં પર્ફોર્મ કરી શક્યાં. જો અરવિંદભાઈએ ના પાડી હોત તો અમે એન્ટિલિયામાં પર્ફોર્મ કરવા જઇ શકત નહીં. કોઈને આપેલી તારીખને વફાદાર રહેવું અને કશા ફેરફારની જાણ અગાઉથી કરી દેવી આ બિઝનેસના એથિક્સ છે.’
‘કેટલા માણસો લઈ જવા તેની ચર્ચા ચાલી’
‘હવે જ્યારે જવાનું ફાઇનલ થયું પછી ગિરીશભાઈની ટીમ, તેમનો સ્ટાફ અને પાર્થિવભાઈની ટીમમાંથી ફોન આવવા લાગ્યા. કેટલા માણસો આવશે તેના પર ચર્ચા થઈ. તો મેં કહ્યું કે, ચાર મ્યુઝિશિયન અને ચાર છોકરીઓ એમ કરી આઠ અને હું ને અશોકભાઈ થઈને કુલ 10 લોકો આવીશું. તો તેમણે સામેથી કહ્યું કે એક મ્યુઝિશિયન વધારે લાવો અને 11 લોકો આવો. એન્ટિલિયામાં Z+ સિક્યોરિટી હોવાથી અમારી તમામ ડિટેલ્સ પણ મગાવી.’
‘પહેલાં કોવિડ ટેસ્ટ અને પછી જ એન્ટિલિયામાં એન્ટ્રી’
‘અમારે 18મીએ મુંબઈ જવાનું હતું પરંતુ અમે 15, 16 તથા 17 એમ ત્રણેય દિવસ બહારગામ પર્ફોર્મન્સ માટે ગયાં હતાં. એન્ટિલિયામાં તે સમયે નિયમ હતો કે, તમે એન્ટિલિયામાં જાવ તે પહેલાંના ચાર દિવસના કોવિડ ટેસ્ટ તમારે મેલ કરવાના. એટલે મેં 15, 16 તથા 17 જાન્યુઆરીએ એમ મેં મારા ને મારી સાથે જે ચાર છોકરીઓ જવાની હતી તે તમામના રિપોર્ટ મેલ કર્યા હતા.’
‘અમે 18મીએ મુંબઈ પહોંચ્યાં. એન્ટિલિયાની સામે અવંતિકા નામની ચાર માળની બિલ્ડિંગ છે. ત્યાં કોવિડ ટેસ્ટ થાય છે. એન્ટિલિયામાં ત્યારે એવો નિયમ હતો કે, જેટલા પણ એન્ટિલિયામાં એન્ટર થાય તેમણે પહેલા કોવિડ ટેસ્ટ કરાવીને જ જવાનું. અમે 10 વાગ્યે કોવિડ સેન્ટર ગયા. અહીંયા બ્રેકફાસ્ટથી માંડીને જમવાની અને બધી સુવિધા હતી. અમારો ટેસ્ટ અડધો કલાક પછી નેગેટિવ આવ્યો અને પછી અમને એન્ટિલિયામાં જવાનું કહેવામાં આવ્યું. અમે 11.30ની આસપાસ એન્ટિલિયામાં એન્ટર થયાં.’
આખો દિવસ એન્ટિલિયામાં પસાર કર્યો
‘એન્ટિલિયામાં અંદર ગયાં તો સૌથી પહેલાં પાર્થિવ ગોહિલ, વૈભવી મર્ચન્ટ (જાણીતાં બોલિવૂડ કોરિયોગ્રાફર) મળ્યાં હતાં. બીજા પણ ઘણા જાણીતા ચહેરા જોવા મળ્યા હતા. આ ઉપરાંત એન્ટિલિયાની આખી ટીમ ખડે પગે હાજર હતી. અમે પાર્થિવભાઈ સાથે જે ગીતો ગાવાનાં હતાં, તેના પર ચર્ચા કરી. બધાએ 12 ગીતો જોયાં. અમે આખો દિવસ એન્ટિલિયામાં જ પસાર કર્યો હતો.’
સેલિબ્રેશન પહેલાં એન્ટિલિયામાં આ રીતે થાય છે રિહર્સલ
વૈશાલીબેન સુંદર પરફોર્મન્સ માટે એન્ટિલિયામાં થતી ઝીણામાં ઝીણી પૂર્વતૈયારી વિશે વાત કરતાં કહે છે કે, ‘એન્ટિલિયામાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય તેના એકાદ-બે દિવસ પહેલાં આખું ‘રન થ્રૂ’ કે ‘રિહર્સલ’ થતું હોય છે. ઉદાહરણ તરીકે, 13મીએ પ્રસંગ હોય તો દસમીએ આખું રિહર્સલ થઈ ગયું હોય. એન્ટિલિયામાં ખૂણે ખૂણે તમને વૈભવ જોવા મળે. અમને ત્યાં શીખવા પણ પુષ્કળ મળ્યું હતું. એન્ટિલિયામાં કામ કરતા સ્ટાફ મળ્યા. અમારે 12 સોંગ્સ ગાવાનાં હતાં. પાર્થિવભાઈ- વૈભવી મર્ચન્ટે બારેબાર ગીતો વાંચ્યાં. એન્ટિલિયાના વિષ્ણુ ગાર્ડનમાં સગાઈ થઈ હતી. તો રાધિકાવહુ (રાધિકા મર્ચન્ટ) પોતાનો પહેલો પગ ગાર્ડનમાં મૂકે, દાદરો ઊતરે ત્યારે કયા ગીતના કયા શબ્દો આવશે તે પ્રમાણે રિહર્સલ કરવામાં આવ્યું હતું. વૈભવીબેન ચાલતાં અને હું અને મારી સાથે રહેલી ચાર છોકરીઓ પાછળ ગીત ગાતાં ગાતાં દાદર ઊતરતાં. ‘કુમકુમ પગલે આવો, રાધિકાવહુ સાસરિયાં જુએ તમારી વાટ… આવો રાધિકાવહુ મુકેશભાઈના આંગણે, આવો રાધિકાવહુ નીતાબેનના આંગણે….’ ગાતાં ગાતાં કઈ લાઇન પર રાધિકાનો પગ વિષ્ણુ ગાર્ડન પર પડે છે. તે બરોબર સમજ્યાં હતાં.
સાંજે ગિરીશભાઈને મળ્યાં
સાંજે ગિરીશભાઈ અમને મળ્યા અને તેમણે કહ્યું, ‘નીતાબેન આવે છે તો અમે રૂમમાં તેમની રાહ જોતા બેઠાં હતાં.’ નીતાબેન સાડા-સાત આઠની આસપાસ આવ્યાં. અહીંયા એક આડવાત કહી દઉં કે, નીતાબેનને મળવા જવાના બે દિવસ પહેલાં મેં તેમના વિશેની તમામ માહિતી સર્ચ કરી હતી અને તેમના વિશે વાંચ્યું હતું.’
નીતાબેનની સાથેની વાત યાદ કરતાં રુંવાડાં ઊભાં થયાં
નીતાબેનના જાજરમાન વ્યક્તિત્વથી અંજાયાની અનુભૂતિ વર્ણવતાં વૈશાલીબેન કહે છે, ‘જ્યારે નીતાબેન મળવા આવ્યાં ત્યારે વૈભવીબેન અને બીજા લોકો પણ હતાં. નીતાબેને એટલી સુંદર બાંધણી પહેરી હતી કે વાત ન પૂછો. તે કદાચ કોઈ ફંક્શનમાં જઈને આવ્યાં હતાં. તેમના હાથમાં સ્પેશિયલ કસ્ટમાઇઝ કરેલો ફોન હતો. એક હાથથી ફોન પકડેલો અને એક હાથ સાડી પર હતો. તે એકદમ વ્યવસ્થિત અને અપ ટુ ડેટ લાગતાં હતાં. રૂમમાં હાજર રહેલી તમામ વ્યક્તિએ નીતાબેનના વખાણ કર્યાં હતાં. નીતાબેન 90થી 98% અંગ્રેજીમાં વાત કરે છે. જોકે, મેં અંગ્રેજીમાં વાત કરવાનો પ્રયાસ કર્યો નહોતો. મેં બે હાથ જોડીને નીતાબેનને નમસ્તે કર્યું અને કહ્યું કે આજે તમારી સામે ઊભાં રહેવાનું બન્યું તે અમારું સૌભાગ્ય છે. તમારાં વિશે જેટલું સાંભળ્યું કે વાંચ્યું તેના કરતાં તમે ઘણાં અતિ વિશેષ છો, તે હું આજે જાતે ખાસ અનુભવી રહી છું. આ બોલતાં આજે પણ મારા રુંવાડાં ઊભાં થઈ જાય છે.’
નીતાબેનના શબ્દો મારા મગજમાં અંકિત થઈ ગયા
‘મારી વાત સાંભળીને નીતાબેને કહ્યું હતું, ‘બેસો બેસો… થેંક્યૂ સો મચ વૈશાલી બેન. તમે લોકો અદભુત કામ કરો છો.’ આ શબ્દો હજી પણ મારા દિલ અને દિમાગમાં છવાયેલા છે.’
નીતાબેન સાથે એક જ ટેબલ પર અઢી-ત્રણ કલાક પસાર કર્યાં
‘લગભગ અઢીથી ત્રણ કલાક સુધી અમે રૂમમાં રાઉન્ડ ટેબલ પર બધાં એક સાથે બેઠેલાં હતાં. આ સમયે બહુ બધી બાબતો ચાલતી હતી. નીતાબેન વારાફરતી બધાને મળતાં અને જરૂરી સૂચના આપતાં અને કઈ રીતે આખો પ્રસંગ થવાનો છે, તે સમજતાં. આ ત્રણ કલાકની અંદર ઘણું કામ ચાલ્યું, ફૂલોવાળાં ફૂલો બતાવવા આવે, વિષ્ણુ ગાર્ડનમાં કઈ જગ્યાએ કયા ફૂલથી ડેકોરેશન થશે. ડેકોર પીસીસ કઈ જગ્યાએ કેવી રીતે મૂકવામાં આવશે? વગેરે… વગેરે…પછી અમારો વારો આવ્યો ત્યારે તેમણે પાર્થિવભાઈને કહ્યું, ‘તમે આ તમામે તમામ 12 ગીતો વાંચી લીધાં છે ને?’ પછી મને કહ્યું, ‘વૈશાલીબેન, મને તમારાં ગીતો બધેબધાં બહુ જ ગમે છે. તમારે લગ્નગીતમાં મારા પરિવારના તમામે તમામ સભ્યોનાં નામ લેવાના છે. ઈશા અંબાણીના દીકરા-દીકરી, આકાશના દીકરા તથા કોકીલાબા સહિત પરિવારના તમામ સભ્યોનાં નામ તેમણે લીધાં.’
બારે-બાર ગીતો નીતાબેન અંબાણીએ કસ્ટમાઇઝ કરાવ્યાં હતાં
‘બારે બાર ગીત કસ્ટમાઇઝ કરવામાં આવ્યા હતા.નીતાબેને કહ્યું હતું કે, ગોળધાણા ખવાય છે તો આ શબ્દ આવવો જોઈએ. માંડવો છે જ નહીં, તો આ શબ્દ ના આવવો જોઈએ. તેમણે ગીતમાં શ્રીફળ, સાકર જેવા શબ્દો ઉમેરાવ્યા હતા. ‘લાલ મોટર આવી..’ આ ગીતથી અમને શોધ્યા હતા એટલે મારા મતે તો આ જ ગીત એમનું ટોપ મોસ્ટ ફેવરિટ હશે.’
‘નીતાબેનને ગુજરાતી હોવાનો ગર્વ અને વૈભવ છલકાતો હોય તેવા શબ્દો ગમે’
‘લોકો એવું માનતા હોય છે કે, આટલો મોટો ધનાઢ્ય પરિવાર છે તો તેમનામાં થોડા ઘમંડની ઝલક પણ જોવા મળતી હશે!, પરંતુ તેમની સાથે બેઠાં પછી અમને એવો જાતઅનુભવ થયો કે, તે ગુજરાતી છે, તેમને ગુજરાતી હોવાનો ગર્વ છે. તે પોતે આપણી ગુજરાતની સંસ્કૃતિ માટે કેટલું કામ કરે છે, તે નીતાબેનને મળ્યા પછી ખબર પડી. નીતાબેન આટલા મોટા માણસ, તેમની પાસે અમારાં 12 ગીતો સાંભળવાનો ટાઇમ હોય ખરાં, પરંતુ તેમણે અમારે જે 12 ગીતો ગાવાનાં હતાં, તે બારે બાર ગીતો વાંચ્યા અને ગીતના શબ્દોમાં ફેરફાર કરાવ્યા હતા. તેમને એવા શબ્દો બહુ ગમતા, જેમાં રિચનેસ દેખાતી હોય, જેમ કે ‘પટરાણી’, ‘વહુરાણી’, ‘રાજરાણી’.. જેવા શબ્દો.
હું એમ ગાઉં કે, ‘દશરથ જેવા સસરા તમને નહીં કાઢવા દે કચરા…’ હવે આ ગીત એન્ટિલિયામાં ગાવાનો કોઈ અર્થ જ નથી. એના બદલે હું એમ ગાઉં કે ‘શ્લોકાબેન જેઠાણી તમને કહેશે વહુરાણી…’ અમે એન્ટિલિયામાં એ શીખ્યા કે એક લેવલથી ઉપરના લોકો હોય તો તેમનાં માટે ગીતમાં કેવા કેવા વર્ડ્સ ઉમેરી શકાય. મારી ચારેય છોકરીઓ સાથે નીતાબેન એકદમ કમ્ફર્ટેબલી વાત કરતાં હતાં. મેં ગુજરાતીમાં જ વાત કરી હતી અને તેથી તેમણે પણ મારી સાથે ગુજરાતીમાં વાત કરી હતી. અમે વાત કરતા હતા ત્યારે અમિતાભ બચ્ચનનો ફોન આવ્યો હતો. પછી એ ફોન લઈને સાઇડમાં ગયા અને વાત કરી.
‘નર્વસનેસ દૂર થઈ, હાશકારો થયો’
’18 તારીખે રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી નીતા અંબાણી અમારા બધાની સાથે હતાં અને પછી તે જતાં રહ્યાં. એમની ટીમ અમને જમવા લઈ ગઈ અને રાતના 12 વાગ્યે અમે એન્ટિલિયામાંથી બહાર આવ્યાં. બહાર આવતાંની સાથે જ અમારા બધાના મનમાં એક હાશકારો થયો હતો. એ એટલા માટે કે, આટલા મોટા લોકોની સાથે અમે હતા તો થોડી નર્વસનેસ હતી એટલે એક હાશ થઈ. પછી અમે એન્ટિલિયાની બહાર સેલ્ફી પાડી.’
રાતના ત્રણ વાગ્યા સુધી જાગીને ફેરફાર કર્યા
‘અમે જે હોટલમાં રોકાયાં હતાં ત્યાં આવ્યાં. હવે મારે નીતાબેને જે સુધારા કહ્યા હતા તે તમામ સુધારા કરીને તેમની ટીમને ગીતો પાછાં મોકલવાનાં હતાં. મેં રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી જાગીને ગીતોમાં ફેરફાર કર્યાં હતાં.’
‘કપડાં’ અને ‘હેર સ્ટાઇલ’ બધું જ અંબાણી પરિવારે નક્કી કર્યું હતું
‘અમે ગોળધાણામાં બાંધણી સાડી પહેરી હતી. કપડાં, કપડાંની ડિઝાઇન, કલર સહિતનું તમામ સિલેક્શન પણ તે લોકોએ જ કર્યું હતું. કપડાં તે લોકોએ જ ઓર્ડર કરેલો અને તેમની થીમ પ્રમાણે જ હતાં. મારા મતે તો તેમના ત્યાં જેટલા પણ આર્ટિસ્ટ પર્ફોર્મ કરતાં હશે તે અંબાણી પરિવારે ઓર્ડર કરેલાં કપડાં જ પહેરતા હશે. અમે ત્યાં જોયું કે ઘણા બધા આર્ટિસ્ટ હતા.અમારા ગીતો પછી શ્રેયા ઘોષાલનું પર્ફોર્મન્સ હતું.’
કેવો રહ્યો બીજો દિવસ?
બીજા દિવસે અમે સાડા દસે નીકળ્યાં. પોણા અગિયારે અમે અવંતિકા પહોંચ્યાં અને કોવિડ ટેસ્ટ કરાવ્યો. સુરતથી 19મીએ 6 મ્યુઝિશિયન સવારે મુંબઈ આવ્યા અને તેમાંથી એક મ્યુઝિશિયનનો કોવિડ રિપોર્ટ એ દિવસે પોઝિટિવ આવ્યો એટલે તે એન્ટિલિયામાં પર્ફોર્મ કરી શક્યો નહીં. સાડા અગિયાર બારની આસપાસ અમે એન્ટિલિયા પહોંચ્યાં. બધાને મળ્યા. અલગ અલગ જાતનું જમવાનું, નાસ્તા અને બધું હતું. એક બાજુ ડેકોરેશન ચાલતું હતું. એવા અદભુત ફ્રેશ ફ્લાવર હતાં કે તમે કલ્પના પણ ના કરી શકો. આ ફૂલો તમે ક્યારેય ના જોયા હોય એવા હતા. અમે તો ઇવેન્ટ પ્લાનર છીએ છતાં અમે એવાં ફૂલ જોયાં નહોતાં. ત્યાં 70-90% ડેકોરેશન ફ્રેશ ફ્લાવરનું હતું. એ દિવસે 200-250 મહેમાનો આવવાના હતા અને માટે 70 PRO હતા. આ PR સ્ટાફની યુવતીઓની સાડી, હેરસ્ટાઇલ એ બધું જ ડિસાઇડ કરેલું હતું અને તે બધા રૂમમાં ફટોફટ તૈયાર થતા હતા. આખા ફ્લોર પર તમામે તમામ આર્ટિસ્ટ તૈયાર થતા હતા. પોણા પાંચે રિપોર્ટિંગ ટાઇમ હતો, તમામે તમામ લોકોએ તૈયાર થઈને પોત-પોતાના પ્લેસમેન્ટ પર ગોઠવાઈ જવાનું હતું. અંબાણી પરિવાર સાડા પાંચે આવવાનો હતો.
‘અમે એન્ટિલિયામાં બે જગ્યાએ પર્ફોર્મ કર્યું’
‘અમારી પ્લેસમેન્ટની વાત કરું તો હું અને છોકરીઓ નીચે દાદરો છે, ત્યાં અમે પાંચ લોકો હતા. આ સમયે નીતા અંબાણીને રીલ લુક (ઇન્સ્ટા રીલ) જોઈતો હતો. મ્યુઝિશિયન ઉપર ઝરુખામાં બેઠેલા હતા. અમે પાંચ ગીત ત્યાં રીલ લુકમાં ગાયાં હતાં. બાકીના સાત ગીત ઉપર ગાયાં હતાં. અમારી સામે સ્ક્રીન મૂકી હતી, તેમાં અમને રાધિકા-અનંત બંને સતત દેખાતાં હતાં.આખું ફંક્શન અમેઝિંગ હતું.’
11-11.30એ અમે બહાર આવ્યાં
અમે પાંચ ગીતો ગાઈ લીધાં પછી મહારાજે પત્રિકા વાંચી હતી. આ દરમિયાન અમારે ઉપર સેટ થવાનું હતું અને સાત ગીત ગાવાનાં હતાં. પછી વિધિ થઈ તે સાડા સાત-આઠની વચ્ચે સંપન્ન થઈ. વિષ્ણુ ગાર્ડનમાં જ પર્ફોર્મન્સ હતું અને બોલિવૂડ સ્ટાર્સ અહીંયા જ આઠ પછી આવવાના હતા. અમે ત્યાં જમ્યા અને ત્યાંથી 11-11.30ની આસપાસ નીકળ્યા.
ફોનમાં મેસેજ અને મિસકૉલ્ડની ભરમાર
‘એન્ટિલિયાની બહાર આવ્યાં એટલે અમારા ફોનમાં ઢગલાબંધ મિસકૉલ્સ હતા. અમને એમ પણ કહ્યું કે, અમે તમને લાઇવ સાંભળ્યા. સુરતમાં અમને વેલકમ કરવા માટે ફેમિલી, ફ્રેન્ડ્સ હાઇવે પર ઊભા હતા. આ બધું બહુ જ અમેઝિંગ હતું.’
એક અફસોસ રહી ગયો!
‘પર્ફોર્મન્સ પછી નીતાબેનને મળી શકાયું નહીં તેનો વસવસો છે. તરત જ બીજું ફંક્શન ચાલું થઈ ગયું હતું. સ્પીચ અને બીજું બધું પણ હતું કે એવો ચાન્સ જ નહોતો કે મળવાનું શક્ય બને. અંબાણી પરિવારે ગિરીશભાઈના માધ્યમથી એપ્રિશિયન્સ વીડિયો મોકલાવ્યો હતો. જ્યારે અમે ગાતાં હતાં ત્યારે ઉપર જોઈને મહેમાનો, અંબાણી પરિવાર ખુરશી પર ક્લેપ કરતા, ફાઇન, તમે બીજું ગીત ગાવ, અમે ગાઈએ છીએ ત્યારે અનંત, શ્લોકા, રાધિકા અમને જોઈને ડાન્સ કરતા અને ચિઅર અપ કરતા.’
પર્ફોર્મન્સ પહેલાં ટર્મ એન્ડ કન્ડિશન શું હતી?
‘એન્ટિલિયામાં પર્ફોર્મ કરતાં પહેલાં બે પેજના ટર્મ એન્ડ કન્ડિશનના ડોક્યુમેન્ટ્સ પર સાઇન કરાવી હતી. જેમાં લખ્યું હતું કે, એન્ટિલિયાની અંદર વીડિયો કે ફોટોગ્રાફી કરી શકશો નહીં. અમને એન્ટિલિયા તરફથી જ જે વીડિયો અને ફોટો આપવામાં આવે તે જ તમે સો.મીડિયામાં શૅર કરી શકશો. અંબાણી પરિવારમાં પર્ફોર્મ કરવું એક ચેલેન્જ હતી. તમારી સામે અનેક જાણીતા ચહેરા છે અને તમે સામાન્ય રહીને ગીત ગાવ તે એક ચેલેન્જ હતી.’
અક્કલ બહેર મારી જાય તેવી સિક્યોરિટી
વૈશાલીબેન એન્ટિલિયાની અભેદ્ય કિલ્લેબંધી વિશે વાત કરતાં કહે છે, ‘અહીંયા એન્ટર થવું એ અભિમન્યુના સાત કોઠા વીંધવા કરતાં પણ અઘરું છે. થોડાં થોડાં અંતરે સિક્યોરિટી ચેકિંગ થાય. એરપોર્ટ સિક્યોરિટી કરતાં 10 ગણી વધારે સિક્યોરિટી છે. એન્ટર થવા માટે અનેક કોઠા વીંધો ત્યારે માંડ એન્ટિલિયાનો પહેલો સિક્યોરિટી દરવાજો ક્રોસ કરી શકો. પછી તમારા મોબાઇલના કેમેરા પર ટેપ લગાવવામાં આવે છે. તમે એન્ટિલિયાની ક્યારેય વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી શકતા નથી. બીજા દિવસે તો અમારો કેમેરા ઑન હતો. એન્ટિલિયાના છઠ્ઠા માળ પછી ફેમિલીના રૂમ શરૂ થાય છે અને અહીંયા જવાની પરમિશન કોઈને નથી. એન્ટિલિયામાં રોજ સાડા સાતસો માણસોની અવર-જવર રહે છે અને આ તમામ લોકો કોવિડ સેન્ટરમાંથી પસાર થઈને પછી જ એન્ટિલિયામાં એન્ટર થઈ શકે છે. ગનમેન દરેક કોર્નર પર જોવા મળે. તમે થોડા પણ આઘા પાછા થઈ શકો નહીં. ઝેડ પ્લસ પ્લસ પ્લસ જેવી સુરક્ષા હતી.’
અદભુત શબ્દ પણ એન્ટિલિયાના વૈભવ આગળ વામણો લાગે
‘અમે જે લિફ્ટમાં ગયા હતા તેમાં એક પણ લિફ્ટમાં ફ્લોર નંબર લખેલા નહોતા, એટલે અમને ખબર જ નહોતી કે અમે કયા ફ્લોર પર છીએ. કદાચ સિક્યોરિટી પર્પઝથી હશે. અમે છ ફ્લોર સુધી ગયા હતા, પરંતુ માઇનસમાં કેટલા ફ્લોર હશે તે તો મને ખ્યાલ જ નથી. વૈભવની તો કોઈ વાત જ ના થઈ શકે. એ હદે આલિશાન છે. એન્ટિલિયાના ખૂણે ખૂણેમાં બધા જ પ્રકારની સુવિધા જોવા મળે. અહીંયા અદભુત શબ્દ પણ વામણો લાગે એ હદનો વૈભવ જોવા મળ્યો.’
‘સ્ટાફ ઘણો જ વિનમ્ર હતો’
‘વાત જો એન્ટિલિયાના સ્ટાફની કરીએ તો તે લોકો ઘણા જ હમ્બલ (વિનમ્ર) હતા. એ લોકો ટ્રેઇન્ડ, પોલાઇટ, હેલ્પફુલ હતા. મારી સાથે ચાર છોકરીઓ હતી જે બોલી પણ શકતી નહોતી અને તે ઘણી નર્વસ થઈ ગઈ હતી. પણ સ્ટાફે ઘણી જ સારી રીતે અમને ટ્રીટ કર્યા. અમારી સાથે ઘણી જ વિનમ્રતાથી વાત કરી. અહીંયા તો આંખો જ્યાં જુએ ત્યાં શીખવાનું મળે.આખી ઇવેન્ટ કેવી રીતે મેનેજ થાય છે, કેવી રીતે કામ થાય છે તે બધું હું અહીંથી શીખી.’
વાત હવે વૈશાલીબેનના સંઘર્ષની અને ફિલ્મી લવ સ્ટોરીની….
18 વર્ષની ઉંમરે ભાગીને લગ્ન અને સંઘર્ષ શરૂ
અંબાણી પરિવારને પોતાની સંગીત કળાથી પ્રભાવિત કરનારા અને એક કલાકાર તરીકે એન્ટિલિયાના મહેમાન બનનારા વૈશાલી બેનનું પ્રારંભિક જીવન કંઈ સંગીતના સુમધુર લય જેવું તાલબદ્ધ ન હતું… અનેક મુશ્કેલી અને અડચણો વચ્ચેથી પસાર થયા છે તે. વૈશાલીબેન એ સંઘર્ષકથાની શરૂઆત પોતાની લવસ્ટોરીથી જ કરતાં કહે છે ‘ મારી લવ સ્ટોરીની વાત કરું તો તે એકદમ ફિલ્મી જેવી જ છે. બારમા ધોરણમાં હતી ત્યારે મારા મોટાભાઈના ફ્રેન્ડ હરીન ગોહિલ ઘરે આવતા અને મને ગમતા પણ હતા. તે સમયે એટલી ખબર કે 18 વર્ષ ન થયાં હોય તો મેરેજ ન કરાય. એટલે 18 વર્ષની થઈ પછી લગ્ન કરવાનું નક્કી કરેલું. અમારા બંનેની કાસ્ટ અલગ હોવાથી ઘરમાંથી કોઈ માનશે નહીં એવું માની ભાગી ગયાં.
તે વખતે હું 1990, જુલાઈમાં કોલેજના સેકન્ડ યરમાં હતી અને અમે ભાગીને વડોદરા આવ્યાં. અહીંયા ‘કોર્ટ મેરેજ’ અને પછી ‘હિંદુ વિધિ’થી લગ્ન કર્યાં. લગ્ન બાદ જયપુર ત્યાંથી સુરત પાછા આવ્યા. મારાં મમ્મી-પપ્પા થોડાં નારાજ હતાં. સાસરે અમે જોઇન્ટ ફેમિલીમાં રહેતા. ચાર વાસણ હોય તો ખખડે તો ખરાં જ!. લગ્નના થોડાં મહિના બાદ અમે અમદાવાદ મારા નણંદને ત્યાં થોડા દિવસ રહ્યાં પછી ભાડાના મકાનમાં રહેવા લાગ્યાં. મારા પતિ સવારે નોકરી પર જાય અને છેક સાંજે પાછા આવે તે વખતે તેમનો પગાર 1500 રૂપિયા. અને ઘરનું ભાડું 750 રૂપિયા.. 750 રૂપિયામાં હું ઘર ચલાવતી. છતાં મને આર્થિક તકલીફ જેવું ક્યારેય લાગ્યું નહોતું. આખો દિવસ કરવું શું? એટલે મેં હરડેનાં પેકેટ બનાવવાનું શરૂ કર્યું. સાથે સાથે ભરતકામ પણ કરતી. અમદાવાદમાં તે સમયે મોતીના સેટનો ટ્રેન્ડ હતો તે પણ બનાવતી. પછી પાર્લરનો કોર્સ પણ શીખી હતી. આ દરમિયાન હું સતત રેડિયો પર ગીતો તો સાંભળતી જ રહેતી.અમદાવાદમાં અમે બે-અઢી વર્ષ રહ્યાં. પ્રેગ્નન્સીનો સાતમો મહિનો હતો અને મારા સસરાએ અમને પાછા સુરત બોલાવ્યાં. સુરત આવીને મેં ફરીથી સંગીતની તાલીમ લેવાની શરૂ કરી.
માથાનાં ‘બ્રોચ’થી માંડી ‘પાર્લર’ અને ‘કપડાં સીવવા’નું કામ કર્યું
ઘરનું બધું કામ કરીને બપોરના સમયે ફ્રી પડું એટલે માથામાં નાખવાના બ્રોચ બનાવતી હતી. ઓર્ડર મળતા ગયા ને હું બનાવતી ગઈ. મારી ડિલિવરી થઈ એના આગળના દિવસ સુધી હું બ્રોચ બનાવતી અને માર્કેટમાં બ્રોચ આપવા જતી. દીકરીના જન્મના દસમાં જ દિવસથી ફરી પાછું મેં પાછું બ્રોચ બનાવવાનું શરૂ કર્યું હતું. વ્યાજ વ્હાલું હોય એમ મારાં પેરેન્ટ્સ સાથેના સંબંધો નોર્મલ થઈ ગયાં. બ્રોચના બિઝનેસમાં કોમ્પિટિશન વધતાં તે બંધ કર્યો. હું તો ગ્રેજ્યુએશન પૂરું કરી શકી નહીં પરંતુ મેં મારી દીકરીને અંગ્રેજી મીડિયમમાં મૂકી. છ વર્ષ પછી બીજી દીકરી જન્મી. તે સમયે આસપાસના લોકો કહેતા પણ ખરા કે આર્થિક સ્થિતિ બહુ સારી નથી ને તમે દીકરીઓને અંગ્રેજી મીડિયમમાં મૂકી, પણ મારે તો દીકરીઓને ભણાવવી હતી. આ બાજુ પતિ અને ભાઈઓ બધા અલગ થયા અને અમે બીજે ભાડાના ઘરમાં રહેવા આવ્યા. આર્થિક તંગી સતત રહેતી. મેં ઘરમાં બે વર્ષ સુધી પાર્લર પણ ચલાવ્યું હતું. આ દરમિયાન પહેલી ડિલિવરી વખતે મેં મારા મમ્મી પાસેથી સીવણનું મશીન લીધું હતું તો કપડાં સીવવાનું શરૂ કર્યું.
રાત થોડી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ
આખો દિવસ ઘરના કામ કરું ને રાત્રે બધા સૂઈ જાય એટલે રસોડામાં કટિંગ કરતા શીખી હતી.પછી મેં સુરભિ ટેલર્સ શરૂ કર્યું. મારા ઘરની બાલ્કનીમાં હું સીવતી. કામ વધી જતા મેં એક દરજી રાખ્યો તે કપડાં સીવે ને કટિંગ હું કરી આપતી. મારું ‘સુરભિ ટેલર્સ’ સારું ચાલતું હતું તો એમાંથી ઘર ખરીદ્યું. પતિએ સ્ટૉક માર્કેટની ઓફિસ શરૂ કરી.પછી પતિએ મને સ્ટૉક માર્કેટની ઓફિસમાં જોડાવાનું કહ્યું અને કહે ‘તું થોડું ધ્યાન આપે તો આપણે સબ બ્રોકર બનીએ’. આ કારણે મેં ટેકનિકલ એનાલિસિસનો કોર્સ કર્યો. સિલાઈનું કામ, ઘરનું કામ અને આ કોર્સ એક સાથે બધું મેનેજ કર્યું.
દૂરદર્શનમાં ગરબામાં ‘કોરસ’થી પ્રોફેશનલ સંગીતયાત્રા શરૂ થઈ
આ દરમિયાન મને અમદાવાદ દૂરદર્શનમાં ગરબામાં કોરસ ગાવાની તક મળી. મેં પ્રેક્ટિસ પણ કરી અને આ રીતે હું સંગીતની સાથે જોડાઈ. પછી સુરતમાં મોન્ટુભાઈ મિસ્ત્રીએ મને ગરબામાં કોરસમાં ગાવાનું કહ્યું. સુરતના ‘ડેસ્ટિની ગરબા’માં ગાવાની તક મળી. આ દરમિયાન મોન્ટુ મિસ્ત્રીએ મને ‘લગ્નગીતો આવડે છે?’ તેમ પૂછ્યું, તો મેં કહ્યું કે ‘મને તો માત્ર આજનો દિવસ છે આનંદકારી આ એક ગીત આવડે’. તેમણે મને લગ્નગીતો તૈયાર કરવાનું કહ્યું. મેં પછી નક્કી કર્યું કે મારી માતૃભાષા ગુજરાતી છે તો હું ગુજરાતીમાં જ ગાઈશ. મારે પર્ફોર્મર એટલે કે લોકોની સામે બેસીને ગાવાનું હતું તો હું અરીસામાં જોઈ જોઈને ગાતી અને મેં એ રીતે મારી જાતને ઇમ્પ્રૂવ કરી.’
‘લગ્નગીતમાં સૌ પહેલાં મેં કોરસમાં ગાયું હતું. લગ્નગીત ગાવાનાં શરૂ કર્યાં ત્યારે નક્કી કર્યું હતું કે, હું લગ્નગીતોમાં ક્યારેય ફિલ્મી સોંગ્સ નહીં જ ગાઉં. નાનાં-મોટાં ઓર્ગેનાઇઝેશન સાથે જોડાઈને લગ્નગીતો ગાવાના શરૂ કર્યાં હતાં. ધીમે ધીમે મેં એકલાં લગ્નગીતોમાં ગાવાનું શરૂ કર્યું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોગ્રામમાં ગાવા જતી. મને લગ્નગીત આવડતાં નહોતાં. ત્યારે લગ્નગીતોની અઢળક કેસેટ અને CD સાંભળી. નવા નવા ગાયકોનાં ગીતો સાંભળ્યાં. અને આ બધાની સાથે હું ઘરમાં ફંક્શન હોય ત્યારે ઘરની સ્ત્રીઓ ગાય તે ગીતો હું રેકોર્ડ કરી લેતી. સંગીતની સાથે સાથે મારી સ્ટોક માર્કેટની ઓફિસ તો ચાલુ જ હતી. તે ઓફિસ નવ વાગ્યે જાઉં ને ત્રણ વાગ્યે આવું. ઘરે આવીને કામ કરું. પછી ગીત માટેની પ્રેક્ટિસ માટે જાઉં.’
ઇવેન્ટ કંપની શરૂ કરી
‘જાણીતા ટીવી આર્ટિસ્ટ કુકુલભાઈ તાર માસ્ટર મારા ફેસબુક ફ્રેન્ડ હતા અને તેમણે મેસેન્જરમાં મેસેજ કર્યો. તેમણે મેસેજ કર્યો કે ‘હું સુરત શિફ્ટ થવાનું વિચારું છું, તો ઇવેન્ટનો બિઝનેસ કરવો છે. આ સમયે અમારી સ્ટોક માર્કેટની ઓફિસ ચાલુ હતી. મેં ને કુકુલભાઈએ સાથે મળીને ઇવેન્ટ કંપની શરૂ કરી. દોઢેક વર્ષ (2012-2013) સુધી પાર્ટનરશિપમાં કામ કર્યું. પછી અમે છૂટાં પડ્યાં. પાર્ટનરશિપમાંથી અલગ થયા બાદ મેં ઘણું જ ફ્રીલાન્સ તરીકે કામ કર્યું’
કંપની શરૂ કરી, લગ્નગીતની ટીમમાં 37 લોકો
આ દરમિયાન મારા પતિના ખાસ ફ્રેન્ડ અશોકભાઈને મળવાનું થયું. તેમણે કહ્યું કે તેમના પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય તો તે જ ઇવેન્ટવાળા બનીને કામ કરે છે. તેમણે સાથે કામ કરવાનું કહ્યું. આમ તો અમારી કંપની 5 ડિસેમ્બર, 2014ના રોજ શરૂ થઈ, પરંતુ અમે તે પહેલાં સાથે કામ કરવાની શરૂઆત કરી હતી’ અમારી ‘વીઆર 1′ કંપની છે. લગ્નગીતની ફિક્સ ટીમ છે. સપ્તપદીના નામથી ચલાવીએ છીએ. આ ટીમની વાત કરું તો તેમાં 10 મહારાજ, 10 મ્યુઝિશિયન, કોરસવાળી છોકરીઓ 16 અને એક હું છું. અમે દર અઠવાડિયે લગ્નગીતોનું રિહર્સલ કરીએ છીએ. રિહર્સલ ઉપરાંત અમે આ ટીમને અને છોકરીઓને એ પણ શીખવતા હોઈએ છીએ કે, પર્ફોમ કરતી વખતે તમારું સ્ટેજ પર કેવું બિહેવિયર હોવું જોઈએ, કેવી મુખમુદ્રા હોવી જોઈએ. ડ્રેસિંગ કેવું હોવું જોઈએ, કોઈ વ્યક્તિ તમને મળે છે તો તમારામાં કેટલી સાલસતા હોવી જોઈએ. આ તમામ વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવે છે.’
લગ્નગીતો એટલે શું?
‘લગ્નગીતમાં તમારે તમારી ગાયિકી બતાવવાની નથી. લગ્નગીત એટલે ઘરની મહિલાઓ દ્વારા સમૂહમાં ગવાતાં એવાં ગીતો જેમાં લગ્નના ભાવની સાથે પરણનાર વર-કન્યાને આશીર્વાદ આપવામાં આવે છે. એમની મંગળકામના ભળી જાય. આ લગ્નગીતો એકદમ દેશી ઢબે જ ગાવામાં આવતા. લગ્ન જેવા માંગલિક પ્રસંગે ભારતીય ગીત-સંગીત જ પીરસવું જોઈએ એમ હું માનું છું અને તેથી જ લગ્નગીતોમાં ક્યારેય બોલિવૂડ સોંગ્સનો રાગ લેતા નથી.’
શીખવાનો મંત્ર: ‘સતત ‘પ્રેક્ટિસ’ અને ‘નિરીક્ષણ’
વૈશાલીબેન શીખવાનો મંત્ર જણાવતાં કહે છે કે,, ‘પ્રેક્ટિસની વાત કરું તો હું જ્યારે પણ સમય મળે ત્યારે પ્રેક્ટિસ કરતી હોઉં છું. હું પ્રાઉડલી કહી શકું કે મારા જીવનના આ પડાવે મારી બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે, ઘરની જવાબદારી ખાસ નથી, લોકોએ મને વધાવી છે અને મારા અવાજને પસંદ કર્યો છે. ત્યારે મેં મારા જીવનને લગ્નગીતો માટે સમર્પિત કર્યું છે. હાર્મોનિયમ લઈને પ્રેક્ટિસ કરતી હોઉં છું. હું સતત શીખતી રહું છું. શીખવાની બે રીત છે, એક જે વ્યક્તિ કરે છે, તે નથી સારી તો તે નથી કરવાની. બીજું, જે વ્યક્તિ આ કરે છે, તે સારું કરે છે તો તેમાંથી શીખવાનું.’
આખું વર્ષ કેટલાં લગ્નમાં લગ્નગીતો ગાય?
સિઝન,ઈવેન્ટ અને ઓર્ડર વિશે વાત કરતાં વૈશાલીબેન કહે છે ‘અમારા માટે મેઇન સિઝન તો શિયાળાની જ ગણાય છે, એટલે તે સમયે 100થી વધુ લગ્નમાં જતી હોઉં છું. આ ઉપરાંત આખા વર્ષમાં શ્રદ્ધાંજલિ, ભજનો, ગેટ ટુગેધર ઇવેન્ટ, બર્થ પાર્ટીમાં જતી જ હોઉં છું, પણ મને લગ્નગીત માટે વધારે લગાવ છે. તે ભાવનાત્મક વધારે લાગે છે. કોરોનામા હું યુ ટ્યૂબ ચેનલ પર લગ્નગીતો ગાતી હતી. લગ્ન સિવાય ‘સુગમ સંગીત’, ‘ગરબા’, ‘ફિલ્મી ગીતો’, ‘બર્થ ડે પાર્ટી’, માં પણ ગાઉં છું .’ગેટ ટુગેધર’, ‘ગઝલ’, ‘એક શામ મિઠ્ઠી સી’, જેવા કાર્યક્રમોમાં લતા મંગેશકર અને ચિત્રાનાં ગીતો ગાતી હોઉં છું. શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં ભજન ગાતી હોઉં છું.’
‘રીલ બનાવવા પાછળનો ઉદ્દેશ’
‘એકાદ વર્ષ પહેલાં લગ્નગીતની રીલ બનાવવાનો વિચાર આવ્યો. હું ગાઉં અને કોરસમાં તે છોકરીઓ ઝીલે. લોકોનો પ્રેમ મળ્યો એટલે બનાવતાં થયાં. જ્યાં ગયા હોઈએ ત્યારે પ્રોગ્રામની વાર હોય ત્યારે, સ્ટે આપ્યો હોય ત્યારે રીલ બનાવીએ. લગ્નગીતોની રીલ બનાવવાની શરૂ કરી ત્યારથી યુવાનોથી લઈ તમામ ઉંમરના લોકોનો ઘણો જ પ્રેમ મળ્યો છે. આ રીતે યુવાનોમાં લગ્નગીત પ્રત્યેનો ભાવ વધ્યો છે. નવી પેઢી જે જૂનાં ગીતો ભૂલી ગઈ હતી તે રીલના માધ્યમથી પરંપરાને જાણી રહી છે. જે નવી પેઢી જૂનાં ગીતો ભૂલતી જાય છે, તે નવી પેઢીને અમે જૂનાં ગીતો યાદ કરાવીને રહીશું, તેવી એક ઝુંબેશ ઉપાડી છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં જઈને લગ્નગીતો ગાયાં
‘અત્યાર સુધી ગુજરાતનાં 15થી વધુ શહેરો, જેમાં સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, નવસારી, જૂનાગઢ, વાપી, ગોધરા, વલસાડ સહિત વિવિધ શહેરોમાં જઈને લગ્ન ગીતો ગાયાં છે. એટલું જ નહીં ગુજરાત ઉપરાંત રાજસ્થાન (જયપુર, ઉદયપુર, જેસલમેર), મહારાષ્ટ્ર (મુંબઈ, નાગપુર) તથા ગોવામાં લગ્નગીતો ગાયાં છે. વિદેશની વાત કરું તો આ વર્ષે બહેરીન જવાનું છે. ગયા વર્ષે વિદેશમાંથી બે જગ્યાએ કન્ફર્મેશન હતું, પરંતુ વિઝાને કારણે જઈ શકાયું નહોતું.’
વડાપ્રધાન મોદીની હાજરીમાં ગીત ગાવાની તક મળી તે જ મોટી વાત
551 સમૂહલગ્ન ભાવનગરમાં લાખાણી પરિવાર (‘મારુતિ ઇમ્પેક્સ’)એ લગ્ન યોજ્યાં હતાં અને ચાર લાખ લોકો હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા અને ‘ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં નામ નોંધાવવાનું હતું, જેમાં એવું હતું કે એક સાથે 551 વરમાળા પહેરાવે છે. અહીંયા વડાપ્રધાન મોદીએ પ્રજાને સંબોધન કર્યું હતું. મોદી પંદર મિનિટ રોકાયા હતા. PM મોદી જે જગ્યાએ હતા ત્યાં તમારું નામ જોડાયેલું હોય તે વાત જ બહુ ‘ખાસ’ છે.
‘સતત છ કલાક ગીતો ગાયાં’
‘અમે સાસણગીર ગયા હતા ત્યારે ઇવેન્ટ છથી સાત કલાક લાંબી ચાલી હતી. ભગવાનનો આભાર કે મારી પાસે લગ્નગીતોનું આટલું ભંડોળ છે અને મ્યુઝિશિયને ઇવેન્ટ પત્યા પછી મને કહ્યું કે ‘તમને ‘હેટ્સ ઓફ’ છે કે તમે આટલા કલાકો સુધી સતત ગીતો ગાયાં અને તેમાં બોલિવૂડનાં ગીતો ઉમેર્યા નહોતાં.’
‘ફટાણાં દરમિયાન ફોઈ અને ગોરમહારાજને ખોટું લાગ્યું હતું’
એક લગ્નપ્રસંગ દરમિયાન ‘ફટાણાં’ ગાતા સમયના અનુભવનું સંસ્મરણ વાગોળતાં વૈશાલીબેન કહે છે કે, ‘અમે એકવાર પાટણ ગયા હતા. સામાન્ય રીતે હું ફટાણાં ગાતાં પહેલાં આયોજકોને કહેતી હોઉં છું કે ‘સાજન-માજનને રમૂજ પડે તે માટે ફટાણાં ગવાતા હોય છે, જો તમે ‘હા’ પાડો તો હું ફટાણાં ગાઉં. મોટાભાગે લોકો હા જ પાડતા હોય છે. પાટણમાં મેં ફોઈ પર ફટાણું ગાયું હતું. એક ફટાણું એવું હતું કે ‘પાટણ શેરના ઊંચા ટાવર, ફોઈને બહુ પાવર, એવા પાવર નહીં ચાલે… નહીં ચાલે..’ આ ગાયું તો તેમણે એકવાર તો ગુસ્સામાં જોયું. પછી મેં ગીતને આગળ ગાયું કે, ‘ખેતરમાં વાવી દૂધી, ફોઈની ટૂંકી બુદ્ધિ, એવી બુદ્ધિ ક્યારે આવશે ક્યારે… ક્યારે આવશે..’ ફોઈ કંઈ બોલ્યાં નહીં, પરંતુ જે રીતે તેમણે જોયું એટલે હું ડરી ગઈ. પછી મેં તેમના થોડાં વખાણ કરી લીધાં! આ જ રીતે એકવાર જયપુર પેલેસમાં અમે પર્ફોર્મ કરવા ગયાં હતાં. અહીંયા હું બોલી કે દીકરાની મમ્મીએ મને ખાસ આગ્રહ કર્યો હતો કે તમે ફટાણાં ગાજો તો ‘સૌ પહેલાં ગોર…’ મારું વાક્યુ પૂરું થાય તે પહેલાં મહારાજે કહ્યું હતું, ‘જય શ્રી કૃષ્ણ. અમે વિધિ કરાવવા આવ્યા છીએ અને તમે અમારી પર એક પણ ફટાણું ગાશો નહીં.’ આ ઘટના બાદથી અમે બને ત્યાં સુધી ગોર બાપા પર ફટાણાં ગાતાં નથી.’
‘સંગીતમાં રસ હોય તેને લગ્નગીતના પ્રોફેશનમાં રસ છે’
નવી પેઢીને લગ્નગીતોને પ્રોફેશન બનાવવામાં રસ છે. મારી પાસે કોરસની 16 છોકરીઓ છે. મારા સોશિયલ મીડિયા અકાઉન્ટમાં રોજ ત્રણથી ચાર યુવતીઓના મેસેજ આવે છે કે મારે તમારી ટીમમાં જોડાવવું છે. નવી પેઢીમાં જેમને સંગીતમાં શોખ છે, તેમને લગ્નગીતમાં રસ છે જ. સંગીતમાં રસ હોય તે કરિયર તરીકે જોડાવા માગે છે.’
‘આજે લગ્નગીતો જે નેક્સ્ટ લેવલ પર પહોંચ્યાં, તેમાં મારું થોડું યોગદાન રહેલું છે’
‘લગ્નગીત ગાનારાને લોકો માન આપતા નથી. લોકોએ આ વિષયને ઘણો જ બોરિંગ બનાવી દીધો. એવું થાય કે લગ્ન એકબાજુ ચાલે રાખે ને બીજી બાજુ લગ્નગીતો ગાનારાં ગાયાં કરે. કોઈ તેમને માન સન્માન કે આદરથી જુએ નહીં. લગ્નગીતો ગાનારાની કોઈ વેલ્યૂ નહોતી. લગ્નગીત ગાનારાને મોટાભાગે લોકો ગાવાવાળા તરીકે જ ઓળખતા. લોકો એમ જ કહે કે,- ‘પૈસા આપ્યા છે એટલે તમારે ગાવાનું જ છે’. માંડવામાં કોઈ ન હોય તો એમ કહે કે ‘પૈસા થોડા મફતના આપ્યા છે?. તમારે તો ગાવાનું જ.’ મને ગર્વ છે કે, આજે લગ્નગીતો આ લેવલથી નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડવામાં મારો થોડોઘણો ફાળો રહેલો છે.’
‘મારા પપ્પાએ દીક્ષા લીધી’
‘મારા પપ્પા બહુ જ ધાર્મિક વૃત્તિના હતા. મારાં લગ્નના બે વર્ષ પછી એટલે કે 1992ની આસપાસ મારા પપ્પાએ દીક્ષા લીધી હતી. તે સમયે લોકો એવી વાતો જરૂરથી કરતા કે ‘તેં ભાગીને લગ્ન કર્યાં એટલે તારા પપ્પા દુઃખી થઈ ગયા અને એમણે દીક્ષા લઈ લીધી’.- મારી મમ્મીને પણ દીક્ષા લેવી હતી, પરંતુ અમે લેવા દીધી નહોતી. પપ્પા દીક્ષાનાં 11 વર્ષ બાદ કાળધર્મ પામ્યા હતા.’
‘હું માનવધર્મમાં માનું છું’
‘હું જન્મી જૈન પરિવારમાં અને લગ્ન કર્યા ગોહેલમાં. હવે લગ્ન બાદ જો હું જૈન ધર્મમાં માનું તો સાસુમાને દુઃખ થાય. એટલે મેં નક્કી કર્યું કે હું માનવતાનો ધર્મ પાળીશ. મારી જાતને બેસ્ટ ફ્રેન્ડ માનું છું, કારણ કે લગ્ન કરીને અલગ રહેવા ગયા ત્યારે રડવું આવે તો એકલી રડતી ને ખુશ થાઉં તો પણ એકલી થતી જ. લાઇફમાં હું જ મારી બેસ્ટ ફ્રેન્ડ રહી છું. હું મારી જાતને પ્રેમ કરું છું અને પછી બીજા બધા આવે.’
બે દીકરીઓ આજે શું કરે છે?
‘મારી નાની દીકરીએ અમદાવાદ સેપ્ટમાંથી આર્કિટેક્ચર કર્યું. મોટી દીકરી રિદ્ધિમાએ ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન કર્યું ને પછી IIT પવઈમાંથી માસ્ટરનો અભ્યાસ કર્યો. મોટી દીકરી પતિ પ્રશાંત શ્રીવાસ્તવ સાથે ડેન્માર્કમાં રહે છે. તેણે પણ લવમેરેજ કર્યાં હતાં. તેના સસરા ઇન્ડિયન નેવીમાં હતા અને થોડાં સમય પહેલાં જ રિટાયર્ડ થયા. નાની દીકરી ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરે છે. મેં જ્યારથી લગ્ન કર્યાં ત્યારથી મારાં 87 વર્ષીય સાસુએ હંમેશાં મને સપોર્ટ આપ્યો છે.’
જીવનમાં આ 3 નિયમો બનાવ્યા…
1. ‘મહેનત આંખ મીંચીને કરીએ તો પૈસા જખ મારીને આવે.’
2. ‘જ્યારે લવ મેરેજ કર્યાં ત્યારે સમાજ નેગેટિવ વાતો કરે, ગોસિપ કરે તે સમયે મેં નિયમ બનાવ્યો કે, લોકો જે જવાબની અપેક્ષા રાખતા હોય તેનાથી ઊંધો જ જવાબ આપવાનો.’
3. ‘જો તમે મને કોઈ ચોક્કસ તારીખે ચોક્કસ અમાઉન્ટ સાથે સાંજના છથી રાતના એક સુધી મને બુક કરી છે, તો મેં મારા જીવનનો આ સમય તમને વેચ્યો છે. હું આ સમય દરમિયાન મારો ફોન પણ યુઝ કરતી નથી અને જો મારે કરવો હોય તો મારે પૂછીને જ કરવો પડે. કમિટમેન્ટ જરૂરી છે.’