Sheetala Satam 2023: શીતળા સાતમે કેમ છે વાસી ભોજન કરવાની પરંપરા? જાણો પૂજા વિધિ અને મહત્વ
Sheetla Satam Vrat 2023 : સનાતન ધર્મમાં દરેક વ્રત-તહેવારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેમાંથી જ એક છે શીતળા સાતમનું વ્રત. શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરીને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને વાસી ભોજનનો જ ભોગ લગાવવામાં આવે છે.
શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માઁની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે. શીતળા સાતમ દિવસના આગલા દિવસે એટલે કે રાંધણ છઠ્ઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા કરે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ આ વ્રત કરે છે, તેને અને તેના પરિવારની દરેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે. ભોપાલ નિવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી જાણીએ પૂજા વિધિ અને તેનું મહત્વ.
શીતળા માતાનેઅર્પણ કરાય છે ઠંડુ ભોજન
ધાર્મિક પ્રચલિત માન્યતાઓ અનુસાર, શીતળા માતાને હંમેશા ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે. તેથી શીતળા સાતમના એક દિવસ પહેલા એટલે કે રાંધણ છઠના દિવસે બધુ જ ભોજન બનાવી દેવામાં આવે છે અને બીજા દિવસે તેનો ભોગ ધરાવવામાં આવે છે. સાથે જ તે જ ભોજનને ગ્રહણ પણ કરવામાં આવે છે. આ ભોજનને ફરીથી ગરમ કરવામાં નથી આવતું.
આ વ્રત સંપૂર્ણ રીતે શીતળા માતાને સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો આ વ્રત કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. તેમ પણ કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોની ઓરી-અછબડા જેવી બીમારીઓથી રક્ષા થાય છે.
શીતળા સાતમ પૂજા વિધિ
- ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને નિવૃત્ત થઇ જાઓ.
- તે બાદ હાથમાં જળ લઇને વ્રત કરવાનો સંકલ્પ લો.
- હવે એક સ્વચ્છ ચોકી પર કપડુ પાથરીને દેવી શીતળાની મૂર્તિ સ્થાપિત કરો.
- તેમની વિધિ-વિધાનથી પૂજા કરો અને શણગાર અર્પિત કરો.
- હવે શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવો.
- માતાજીને કુલેર તથા શ્રીફળ વધેરી અર્પણ કરવું માતાજીને આપણા ઘરમાં શીતળતા રાખી ઘરના સભ્યોને કોઈ બીમારી ન થાય એવી પ્રાર્થના કરવી.
- આખો દિવસ વ્રત કરો અને સાંજના સમયે વાસી ભોજન ગ્રહણ કરો.
- માન્યતા છે કે શીતળા માતાનું વ્રત કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.