પુત્રના કરતૂતે પિતાના કાળા ચિઠ્ઠા ખોલ્યા: યુવતીને ન*શો કરાવી, ખંડણી, ધમકી સહિત તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પર આઠ કેસ, હવે જેગુઆર અકસ્માત કેસમાં બંનેની અટકાયત
અમદાવાદના એસજી હાઇવે પર મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટનામાં નવ લોકોનાં મોત થયાં છે. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં જેગુઆર કારચાલક તથ્ય બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ત્યારે પુત્રના એક કરતૂતે પિતાની ગુનાહિત હિસ્ટ્રી ફરી લોકો સામે ખોલી દીધી છે. તથ્ય પટેલે ઓવરસ્પીડમાં કાર દોડાવી નવ લોકોનો ભોગ લીધો છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલ સામે સૌરાષ્ટ્રની એક યુવતી પર ગેંગરેપ આચર્યોનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા. આ સાથે જે સોલામાં બે, શાહપુરમાં એક, રાણીપમાં એક, ક્રાઇમ બ્રાન્ચમાં એક, મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં એક, ડાંગમાં એક અને મહેસાણામાં એક સહિત કુલ આઠ ગુના નોંધાયા છે.
પ્રજ્ઞેશ પટેલ છેલ્લાં ચાર વર્ષથી વિવાદમાં
બિલ્ડરલોબીમાં જાણીતો પ્રજ્ઞેશ પટેલ છેલ્લાં ચાર વર્ષથી કોઈ ને કોઈ વિવાદને લઇ ચર્ચામાં રહ્યો છે. 2020માં સૌરાષ્ટ્રની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા હતા. 2021માં ફરી સામૂહિક દુષ્કર્મ કેસમાં સહ-આરોપી અને તેના મિત્ર તેમજ કાચા કામના કેદી જૈમિન પટેલે સાબરમતી જેલમાંથી ન છૂટવાના ડરથી જેલમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પ્રજ્ઞેશ પટેલનું નામ સામે આવ્યું હતું. ત્યારે આજે ફરી પુત્ર તથ્ય પટેલે 180ની ઓવરસ્પીડે જેગુઆર કાર દોડાવી ઇસ્કોન બ્રિજ ઉપર લોકોને ઉડાવ્યા હતા. એમાં 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે 5 ઈજાગ્રસ્ત થયા છે, જેને લઇને ફરી એકવાર પ્રજ્ઞેશ પટેલનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.
વાઇલ્ડ એનિમલ સાથે ફોટો પડાવવાનો શોખ
આ ઉપરાંત પ્રજ્ઞેશ પટેલના ફેસબુક પ્રોફાઇલમાં વાઈલ્ડ એનિમલનો શોખ હોય એમ તેણે કેટલાંક પ્રાણીઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા, જેમાં તેણે 2016માં અજગરને ગળામાં વીંટાળી ફોટો પડાવ્યો હતો. તો 2015માં વાઘ સાથે બેસીને ફોટો પડાવ્યો હતો. આ ઉપરાંત તેને વિદેશ ફરવાનો શોખ પણ છે. આ ઉપરાંત પ્રજ્ઞેશ પટેલના અભ્યાસની વાત કરીએ તો તેણે માઉન્ટ આબુની સેન્ટ જોસેફ્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજ પાસ આઉટ છે. આ ઉપરાંત તેના ફેસબુક પર 20 ડિસેમ્બર 2023ના રોજ એક ચાઇલ્ડની પોસ્ટ કરી છે.
શું છે 2020નો દુષ્કર્મ મામલો
3 નવેમ્બર 2020ના રોજ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સૌરાષ્ટ્રની યુવતીએ નોકરી માટે ઑનલાઈન અરજી આપી હતી. એ બાદ તેને અમદાવાદ બોલાવવામાં આવી હતી, જ્યાં એક હોટલમાં તેની રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ત્યાં પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ નામના લોકો તેની પાસે આવ્યા હતા. આ શખસોએ નશીલા પદાર્થ, દારૂ અને એમડી ડ્રગ્સ આપી વારંવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવતીના નગ્ન ફોટા પાડી તેને અવારનવાર બ્લેકમેઇલ કરતા હતા.
યુવતીને જાનથી મારી નાખવાની ધમકી
આરોપીઓ યુવતીને કહ્યુ હતું કે તે લોકો ખૂબ જ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું ભવિષ્ય બનાવી દેશે એમ કહી યુવતીને અલગ અલગ હોટલ અને ફ્લેટમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં યુવતીને કારમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા, કારમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. કોઈને પણ કહેવા પર જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પીડિતાએ હિંમત કરીને અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળવા પર પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જિતેન્દ્રપુરી ગોસ્વામીની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ વધુ એક આરોપી જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં જેલમાં બંધ જૈમિન પટેલે સાબરમતી જેલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
કેદીએ મરતાં પહેલાં એક સુસાઈડ નોટ લખી હતી
જૈમિન પટેલ સેન્ટ્રલ જેલની 200 નંબરની ખોલીમાં કાચા કામના આરોપી તરીકે રહેતો હતો. જૈમિને મરતાં પહેલાં અંતિમ ચિઠ્ઠી લખી હતી. એમાં તેણે લખ્યું હતું કે આ કેસમાં હું બહાર નહીં આવી શકું, મારા પરિવારની માફી માગું છું. જૈમિન સહિતના આરોપીઓ સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાયેલી છે. આ કેસમાં વર્ષ 2020માં બિલ્ડર સહિત ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી જૈમિન પટેલ, પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ સહિત તમામ આરોપીઓ પર ગેંગરેપ માટે IPC કલમ 376D, ફોજદારી ષડયંત્ર માટે 120b, વિશ્વાસભંગ માટે 406, અપહરણ માટે 362, અશ્લીલતા માટે 294b અને ફોજદારી ધમકી માટે 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.