મહાદેવનું સૌથી ઊંચે આવેલું છે તુંગનાથ મંદિર: શ્રાવણમાં પંચકેદારના પાંચ મંદિરોની તસવીરોમાં દર્શન કરો
18 જુલાઈથી અધિક શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે આ મહિનામાં જ્યોતિર્લિંગની સાથે પૌરાણિકકાળમાં બનેલા મહત્વના મંદિરોમાં ભગવાન શિવના દર્શન અને પૂજા કરવાની પરંપરા છે. ઉત્તરાખંડમાં ભગવાન શિવના 5 પ્રાચીન મંદિરો છે, જે પંચ કેદાર તરીકે ઓળખાય છે. આ પાંચ મંદિરોમાં કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે.
પંચ કેદારના પાંચ મંદિરોમાંથી ચાર મંદિર શિયાળામાં લગભગ છ મહિના સુધી બંધ રહે છે, ફક્ત કલ્પેશ્વર મહાદેવ મંદિરમાં જ સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો દર્શન કરી શકે છે. હવે આ પાંચેય મંદિરો ભક્તો માટે ખુલ્લા છે. જાણો ઉત્તરાખંડના પંચ કેદાર સાથે જોડાયેલી ખાસ વાતો…..
આ છે પંચ કેદાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા-
અહીં પ્રચલિત દંતકથાઓ અનુસાર દ્વાપર યુગમાં મહાભારતના યુદ્ધ પછી પાંચ પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને નકુલ-સહદેવ દ્રૌપદી સાથે હિમાલય તરફ આવ્યા હતા. બધા પાંડવો તેમના પાપોમાંથી મુક્તિ ઇચ્છતા હતા, તેથી પાંડવોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અહીં તપસ્યા કરી. પાંડવોની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા. પાંડવોને દર્શન આપ્યા બાદ શિવ આ વિસ્તારમાં બળદના રૂપમાં અદૃશ્ય થઈ ગયા. બાદમાં બળદના ધડના ઉપરનો ભાગ કાઠમંડુમાં દેખાયો. હવે તે જગ્યાએ પશુપતિનાથ મંદિર છે. ઉત્તરાખંડમાં તુંગનાથ ખાતે શિવની ભુજાઓ, રૂદ્રનાથ ખાતે મુખ, મધ્યમહેશ્વર ખાતે નાભી, કલ્પેશ્વર ખાતે વાળ અને કેદારનાથ ખાતે બળદના ખૂંધની પૂજા કરવામાં આવે છે. ઉત્તરાખંડના આ પાંચ સ્થાનોને પંચ કેદાર કહેવામાં આવે છે.
કેદારનાથ ધામઃ-
કેદારનાથ મંદિર પંચ કેદારમાંનું એક છે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. કેદારનાથ એ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. ઉત્તરાખંડના ચારધામોમાં પણ તેનો સમાવેશ થાય છે. કેદારનાથ ધામને લગતી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. શિવપુરાણની કોટિરુદ્ર સંહિતામાં લખ્યું છે કે જૂના સમયમાં બદરીવનમાં ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણ પાર્થિવ શિવલિંગ બનાવીને દરરોજ ભગવાન શિવની પૂજા કરતા હતા. નર-નારાયણની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં પ્રગટ થયા. શિવજીએ નર-નારાયણને વરદાન માંગવા કહ્યું. ત્યારે નર-નારાયણે વરદાન માંગ્યું કે શિવજી હંમેશા અહીં જ રહે, જેથી અન્ય ભક્તો પણ સરળતાથી શિવજીના દર્શન કરી શકે. આ સાંભળીને શિવજીએ કહ્યું કે હવેથી તેઓ અહીં જ રહેશે અને આ વિસ્તાર કેદાર વિસ્તાર તરીકે પ્રખ્યાત થશે.
એવું માનવામાં આવે છે કે આ સ્વયં પ્રગટ શિવલિંગ કેદારનાથ ધામમાં સ્થાપિત છે. સ્વયંભુ શિવલિંગ એટલે કે જે સ્વયં પ્રગટ થયું છે. કેદારનાથ મંદિરનું નિર્માણ પાંડવોના વંશજ રાજા જનમેજય દ્વારા કરવામાં આવ્યું હતું. પાછળથી આદિ ગુરુ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
તુંગનાથ મંદિર
તુંગનાથ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. આ મંદિર ભગવાન શિવના તમામ મંદિરોમાં સૌથી ઊંચા સ્થાને આવેલું છે. તુંગનાથ મહાદેવ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 3600 મીટરની ઉંચાઈ પર છે. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ મંદિરની વિશેષતા છે. આ વિસ્તાર એવા ઘણા લોકોને આકર્ષે છે જેઓ ટ્રેકિંગ પસંદ કરે છે. તુંગનાથ દર્શન માટે સોનપ્રયાગ પહોંચવું પડે છે. આ પછી ગુપ્તકાશી, ઉખીમઠ, ચોપટા થઈને તુંગનાથ મંદિર પહોંચી શકાય છે. એક માન્યતા અનુસાર માતા પાર્વતીએ પણ અહીં તપસ્યા કરી હતી. તુંગનાથ મંદિરથી લગભગ 1.5 કિમી દૂર ચંદ્રશિલા છે. તેની ઊંચાઈ લગભગ 4000 મીટર છે.
રુદ્રનાથ મંદિર
રુદ્રનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. રુદ્રનાથ મંદિરમાં ભગવાન શિવના મુખની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની ઊંચાઈ લગભગ 2290 મીટર છે. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ભક્તોને શાંતિ આપે છે. રૂદ્રનાથ મંદિરમાં આવવા માટે પહેલા ગોપેશ્વર પહોંચવું પડે છે. આ પછી તમે રૂદ્રનાથ મંદિર સુધી પહોંચી શકો છો જે ગોપેશ્વરથી લગભગ 60 કિમી દૂર છે.
મધ્યમહેશ્વર મંદિર
આ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં છે. અહીં ભગવાન શિવની નાભિની પૂજા કરવામાં આવે છે. મધ્યમહેશ્વર મંદિર લગભગ 3500 મીટરની ઉંચાઈ પર છે. આ મંદિરના દર્શન કરવા માટે સૌ પ્રથમ ગૌરીકુંડ પહોંચવું પડે છે. ગૌરીકુંડથી લગભગ 16 કિમીનું ચઢાણ છે, ત્યાર બાદ આપણે મધ્યમહેશ્વર મંદિરે પહોંચીએ છીએ.
કલ્પેશ્વર મંદિર
આ મંદિરમાં ભગવાન શિવના વાળની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે. આ મંદિર જોશીમઠમાં આવેલું છે. સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ લગભગ 2150 મીટર છે. આ મંદિરમાં શિવજીના વાળની પૂજા કરવામાં આવે છે. પંચ કેદાર તીર્થમાં કલ્પેશ્વર મંદિર પાંચમા નંબરે છે. ભક્તો આખા વર્ષમાં ગમે ત્યારે આ મંદિરે દર્શન માટે પહોંચી શકે છે. આ પથ્થરનું મંદિર છે અને અહીં પહોંચવા માટે ગુફામાંથી પસાર થવું પડે છે.